Gujarati News

Gujarati News

News of Monday, 30th November 2020

પોરબંદર અને વેરાવળમાં આર્ય સમાજ દ્વારા દયાનંદ સરસ્વતીના નિર્વાણ દિનની ઉજવણીઃ યજ્ઞ-ભજનો યોજાયા

પોરબંદર તા. ર૮ :.. પોરબંદર તથા વેરાવળ આર્ય સમાજમાં અંધ શ્રધ્ધા અને પાંખડ સામે લોકોને  જગાડનાર આર્ય સમાજના સ્થાપક મહર્ષિ   દયાનંદ સરસ્વતીના ૧૩૭ માં નિવાર્ણ દિનની ઉજવણી કરાય હતી.

પોરબંદરમાં વર્ષોથી બૌધ્ધિકોને માર્ગદર્શન પુરૂ પાડતી સંસ્થા આર્ય સમાજ પોરબંદર અને વેરાવળ ખાતે મહર્ષિ   દયાનંદ સરસ્વતીના નિવાર્ણ દિન ઉજવવાનું આયોજન કરાયું હતું. મહર્ષિ  દયાનંદ સરસ્વતી માર્ગ આર્ય સમાજ પોરબંદર ખાતે આ ઉજવણી સંદર્ભે મુંબઇ દાદરના પ્રખર આર્ય સમાજી  શ્રી વ્રજ પટેલ તથા વિવિધ અખબાર પૂર્તિના  લેખક ઉપસ્થિત ન રહેતા 'આર્યો અને આર્ય સમાજ' ની કલીપ મોકલી હતી શ્રોતાગણને આ કલીપ સંભળાવી હતી.

આર્ય સમાજના પ્રમુખ ધનજીભાઇ આર્ય સંબોધન કરતાં જણાવ્યું હતું કે આર્ય સમાજના સ્થાપક, વેદોના ઊંડાં અભ્યાસુ સમાજ સુધારક મહર્ષિ દયાનંદ સરસ્વતીનું દિવાળીના દિવસે નિર્વાણ થયું હતું. તેઓએ સામાજિક અને ધાર્મિક સુધારણાની મહત્વની કામગીરી કરી હતી. કોઇપણ સમાજ કે રાષ્ટ્ર સામાજિક - ધાર્મિક સુધારણા વિના પુનરોત્થાન કરી શકશે નહીં.

કેળવણી કાર ડો. ઇશ્વરભાઇ ભરડા સંસ્કૃતના પ્રકાંડ પંડીત દયાનંદ સરસ્વતીએ બહેનો અંધશ્રધ્ધા, બાળવિવાહ બહુપત્નીત્વ, પડદા પ્રથા, સતી પ્રથા, દહેજ પ્રથા જેવા અનિષ્ટોનો વિરોધ કરી સ્ત્રી શિક્ષણ, આંતર જ્ઞાતિય લગ્નો, વિધવા વિવાહની હિમાયત કરી હતી. આમ દેશને વૈચારિક રીતે જોડવાનું કામ દયાનંદજીએ કર્યુ હતું.

આર્યવીર દળના અધિષ્ઠાતા ગગનભાઇ વી. કુહાડાએ પ્રાસંગીક પ્રવચનમાં ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ દ્વારા વિમોચન થયેલ આચાર્ય શ્રી અગ્નિવેશ વેદોનું   ભાગ-૪ રચિને સ્વામી દયાનંદ સરસ્વતીનું કાર્ય પુરું કર્યુ તેની વિસ્તૃત સમજ આપી હતી.

સમાજ શ્રેષ્ઠી ધનજીભાઇ આર્ય  નાથાલાલ લોઢારી, હરીશભાઇ શિયાળ, નરેન્દ્રભાઇ જોષીન યજમાન પદે  યોજાયેલા વૈદિક યજ્ઞમાં બ્રહ્માનંદ શાસ્ત્રી, ધર્મવીર શાસ્ત્રી  દીપેશભાઇ શાસ્ત્રીએ મંત્રોચ્ચાર કરીને આહૂતિ આપીને વૈદિક યજ્ઞનું મહાત્મ્ય સમજાવ્યું હતું.

આર્ય સમાજ દ્વારા અમદાવાદના સંસ્કૃતના વિશેજ્ઞ ડો. કમલેશકુમાર શાસ્ત્રી તથા પંડિત બલભદ્ર શાસ્ત્રી સંપાદિત 'આર્ય-સત્સંગ પધ્ધતી' પુસ્તકનું પ્રકાશન થયેલ હતું. જેનું પોરબંદરની ડો. વિ. આર. ગોઢાણીયા બી. એઙ કોલેજના ડાયરેકટર ડો. ઇશ્વરભાઇ ભરડાના હસ્તે વિમોચન કરાયું હતું.

મહર્ષિ દયાનંદ સરસ્વતીએ સને ૧૮૬૯ માં 'સ્વર્ણ શતાબ્દી ધર્મ મહાસંમેલન' માં મુખ્ય અતિથીરૂપે ગુજરાતના રાજયપાલ આચાર્ય દેવવ્રતજીએ આપેલા ભાષણના અંશો સાથેનું લેખક ભાવેશ મેરજા લિખિત ૪૦૦ પાનાનું દળ દાળ પુસ્તક 'દયાનંદનો કાશી શાસ્ત્રાર્થ' પુસ્તક દીપોત્સવી પર્વે દરેક વ્યકિતને નિઃશુલ્ક ભેટરૂપે આપવામાં આવેલ હતું.

કાર્યક્રમનું સંચાલન આર્ય સમાજના મંત્રી કાન્તીલાલ જુંગીવાલાએ  સંભાળ્યું હતું. આભાર દર્શન ઉપપ્રમુખ  સુરેશભઇ ડી. જુંગી કર્યુ હતું. શાંતિ મંત્રના ગાન સાથે આ કાર્યક્રમનું સમાપન થયું હતું. માસ્ક, સોશિયલ ડીસ્ટીન્સીંગ અને સેનેટરાઇઝ નિયમોનું પાલન કરવામાં આવેલ હતું.

વેરાવળ આર્ય સમાજના પુરોહિત પંડીત  મણીલાલ મણીની નિશ્રામાં વેરાવળ - પાટણ સંયુકત નગરપાલિકા નિર્મિત ડાભોર રોડ, ગંગાનગર સ્થિત કોમ્યુનિટી હોલ ખાતે મહર્ષિ દયાનંદ સરસ્વતીનો ૧૩૭મો નિર્વાણદિન રીતે ઉજવાયો હતો.

કાર્યક્રમમાં આર્ય કન્યા ગુરૂકુળન પૂર્વ આચાર્યા પુષ્પાબેન જોષી, આયુર્વેદાચાર્ય ડો. છોટુભાઇ સુયાણી, શ્રી હરનારાયણ સિંહ, દિલીપભાઇ જુંગી, પુસ્તીકા અધ્યક્ષ શ્રી નાથાલાલ લોઢારી સહિત શહેરના પ્રબુધ્ધ નાગરીકો તેમજ આર્ય સમાજના ભાઇ-બહેનોએ  મહર્ષિ દયાનંદ સરસ્વતીના વિચારોને આત્મસાત કરવાના સંકલ્પ સાથે ભાવાંજલી અર્પણ કરી હતી.

(11:30 am IST)