સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 1st October 2020

કોરોના કાળમાં ૧૫.૪૬ કરોડ દર્શનાર્થીઓએ સોમનાથ મંદિરની ઓનલાઇન મુલાકાત લીધી : ૮૪ દિ' બંધ રહ્યા પછી મંદિર ખુલ્લુ મુકાયુ

ટ્રસ્ટી મંડળજી બેઠક મળી : વધુ એક વર્ષ માટે પ્રમુખ તરીકે કેશુભાઇ પટેલ : ૪૬.૨૯ કરોડની કુલ આવક થઇ

સોમનાથ તા. ૧ : સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી મંડળની બેઠક ઓનલાઈન યોજવામાં આવી. જેમાં અધ્યક્ષ કેશુભાઈ અને સર્વે ટ્રસ્ટીઓ નરેન્દ્રભાઈ મોદી, લાલકૃષ્ણ અડવાણીજી, અમિતભાઈ શાહ, શ્રી જે.ડી. પરમાર, હર્ષવર્ધન નિવેટીયા અને ટ્રસ્ટી-સેક્રેટરી પ્રવીણ લહેરી હાજર રહ્યા હતાં. ટ્રસ્ટી મંડળે વર્ષ ૨૦૧૯-૨૦ના ઓડીટેડ હિસાબોને મંજુરી આપી. ગત વર્ષે સોમનાથ ટ્રસ્ટની કુલ આવક રૂ.૪૬.૨૯ કરોડની થયેલ હતી અને તે સામે રૂ.૩૫.૮૦ કરોડનો ખર્ચ થયેલ હતો. સોમનાથ ટ્રસ્ટની કુલ અસ્કયામતો રૂ.૨૪૯.૩૭ કરોડ હતી. તે વર્ષ દરમ્યાન વધીને રૂ. ૩૨૧.૦૯ કરોડ થઈ છે. સોમનાથ ટ્રસ્ટમાં યાત્રી સુવિધા કેન્દ્ર, પાર્કિંગ, મુખ્ય મંદિરની રોશની, ઘન કચરાના નિકાલની વ્યવસ્થા, બુદ્ઘિસ્ટ કેવને દર્શનીય બનાવવાની કામગીરી સહિત અનેક વિકાસલક્ષી કામો પૂર્ણ કરવામાં આવ્યા છે.

ચાલુ નાણાંકીય વર્ષમાં કોરોના વાયરસને કારણે નિર્માણ થયેલી અભૂતપૂર્વ પરિસ્થિતી અંગે સમીક્ષા કરી. ટ્રસ્ટી મંડળે સોમનાથ ટ્રસ્ટ દ્વારા રૂ.૨.૬૨ કરોડના કોરોના રાહત ખચંને બહાલી આપી. કોરોનાથી અસરગ્રસ્ત ગીર-સોમનાથ જીલ્લાના લોકો અને યાત્રાળુઓ માટે તેમજ અન્ય રાજયમાંથી આવેલા શ્રમિકો માટે ફુડ પેકેટ, રેશન કીટની વ્યવસ્થા કરવામાં આવેલ. આ ઉપરાંત લીલાવતી અતિથિ ભવનમાં કોરોનાગ્રસ્ત વ્યકિતઓને સામાન્ય સારવાર અને કોરોન્ટાઈન મળી રહે તે માટે સોમનાથ ટ્રસ્ટના ખર્ચે વ્યવસ્થા કરવામાં આવી જે આજે પણ ચાલુ છે.  સોમનાથ ટ્રસ્ટે ગુજરાત રાજયના મુખ્ય મંત્રીના રાહત ફંડમાં રૂ. એક કરોડ આપ્યા તેની ટ્રસ્ટી મંડળે નોંધ લીધી.

વડાપ્રધાન અને ટ્રસ્ટીશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ગોલોક ધામના વિકાસ અંગે દ્વાપર યુગમાંથી કળીયુગમાં પરિવર્તન અંગે ભગવાન શ્રી કૃષ્ણના વેકુંઠ અંગે તેમજ ભારતીય કાળગણના અંગે વૈજ્ઞાનીક આધારો સાથે વિકાસલક્ષી પ્રોજેકટ તેયાર કરવા સુચન કરવામાં આવ્યું. મહાપ્રભુજી સ્થાપિત ૮૪ વૈષ્ણવ બેઠકોનું સંકલન કરી શ્રી કૃષ્ણના અંતિમ લીલાના પ્રભાસ ક્ષેત્રના સ્થળોને વિકસાવવા માટે પણ આયોજન કરવાનું સુચવ્યું.

કોરોનાની વિકટ પરિસ્થિતિ હોવાને કારણે કુલ ૧૫.૪૬ કરોડ દર્શનાર્થિઓએ ઓનલાઈન મુલાકાત લીધી હતી તથા આશરે પ થી ૬ હજાર યાત્રીકોએ ઓનલાઈન ઈ-સંકલ્પથી પુજા કરાવી. લગભગ ૮૪ દિવસ મંદિર બંધ રહ્યા બાદ સરકારી માર્ગદર્શન મુજબ મંદિર દર્શનાર્થીઓ માટે ખુલ્લુ મૂકવામાં આવેલ છે.

આગામી એક વર્ષના પ્રમુખ તરીકે સર્વાંનુમતે કેશુભાઈ પટેલની નિમણુંક કરવામા આવી.

(10:26 am IST)