સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 2nd October 2020

ગોંડલ - અમરેલી અને કચ્છમાં ભૂકંપના આંચકા

તીવ્રતા ઓછી : સતત હળવા આંચકા યથાવત : લોકોમાં ચિંતા

રાજકોટ તા. ૨ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં છેલ્લા ઘણા દિવસોથી ભૂકંપના હળવા આંચકા અનુભવાઈ રહ્યા છે. કાલે રાત્રીથી આજે સવાર સુધીમાં ગોંડલ - અમરેલી અને કચ્છમાં ભૂકંપના હળવા આંચકા અનુભવાયા હતા.

ગાંધીનગર સ્થિત સિસ્મોગ્રાફી સેન્ટરના અહેવાલમાં જણાવાયું છે કે, કાલે રાત્રિના ૧.૧૮ વાગ્યે અમરેલીમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો જેની તીવ્રતા ૧ ની હતી. જેનું કેન્દ્ર બિંદુ અમરેલી થી ૩૫ કિલોમીટર દૂર દક્ષિણ દિશા તરફ હતું.

ત્યારબાદ રાત્રિના ૩.૨૨ વાગ્યે કચ્છના ધોળાવીરામાં ૨ .૦ ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો જેનું કેન્દ્ર બિંદુ ધોળાવીરાથી ૧૮ કિલોમીટર દૂર પૂર્વ દિશા તરફ હતું.

આ ઉપરાંત આજે વહેલી સવારે ૪.૦૫ વાગ્યે રાજકોટ જિલ્લાના ગોંડલમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જેનું કેન્દ્ર બિંદુ ગોંડલ થી ૧૯ કિલોમીટર દૂર પશ્યિમ દિશા તરફ હતું.

આવી રીતે છેલ્લા કેટલાક દિવસોથી રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યા છે. જો કે કાલે રાત્રિના અને સવારે આવેલા ભૂકંપના આંચકાની તીવ્રતા ઓછી હોવાથી લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.

(11:28 am IST)