સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 15th January 2021

મકરસંક્રાંતિ નિમિતે સોમનાથ મંદિર શિવ-સૂર્ય-ગૌ પૂજાથી ગુંજી ઉઠયુ

સોમનાથના ઇતિહાસમાં સૌ પ્રથમ વખત ગૌમાતાનું ઓનલાઇન વર્ચ્યુઅલ પૂજનઃ વિશ્વભરના ભાવિકો જોડાયા

વેરાવળ-પ્રભાસ પાટણ તા. ૧પ :.. ભારતના બાર જયોર્તિલિંગ પ્રથમ ભગવાન શ્રી સોમનાથ મહાદેવ મંદિર ખાતે સૂર્ય ઉપાસનાના મહાપર્વ મકર સંક્રાંન્તિ ભકિત-શ્રધ્ધા અને ભાવમહી ઉજવણી કરાઇ હતી.

સોમનાથ દાદાનું મંદિર સવારે ૭-૩૦ વાગ્યે ખૂલ્યા બાદ સવારે ૯ વાગ્યે સોમનાથ ટ્રસ્ટ સંચાલિત ગૌ-શાળાની ગાયોનું પૂજન - તિલક-વંદન અને સોમનાથ મંદિર પટાંગણમાં ગૌપૂજન સોમનાથ આવેલા યાત્રિકો-ભાવિકોને કરાવાયુ હતું. ટ્રસ્ટે નકકી કરેલા નિયમ મુજબ ભાવિકો તે ગૌ-માતાની શિવ સાનિધ્યે ઓન લાઇન વર્ચ્યુઅલ પૂજા પણ કરાવી હતી.

સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ જણાવ્યુ હતું કે આ વરસે પ્રથમ વખત જ ઓનલાઇન ગૌ-પૂજા કોન્સેપ્ટ વર્તમાન સંજોગોને કારણે સોમનાથ ન આવી શકનારા ભાવિકોને વિશ્વના ઘેર - બેઠે પૂજન લાભ મળ્યો હતો. આ પૂજાવિધી કરાવવા વિશેષ ટીમ કાર્યરત રહી હતી.

સવારે ૧૧ વાગ્યે સોમનાથ મહાદેવને તલ અભિષેક કરાયો હતો. અને સાંજે ૪ વાગ્યે સોમનાથ મહાદેવને તલ-શૃંગાર - દિપમાળા સહિતના વિવિધ કાર્યક્રમોથી શિવ-સૂર્ય વંદના કરવામાં આવી હતી.

મકર સંક્રાંન્તિ મહાપર્વ હોઇ સોમનાથના પવિત્ર ત્રિવેણી સંગમમાં સ્નાન કરવા પૂજા - પાઠ અને દાન કરવા ભાવિકો ઉમટયા હતાં.

સોમનાથમાં કોરોના નિયંત્રણ અને એસ. ટી. સહિત વાહન વ્યવહાર ચાલુ હોઇ યાત્રિકોનો પ્રવાહ ઉતરોતર દિન-પ્રતિદિન વધતો જ રહે છે. તેમાં પણ શનિ-રવિ અને સોમ. તથા તહેવારોમાં વિશેષ ભાવિકો ઉપસ્થિત રહે છે.

પવિત્ર ત્રિવેણી સંગમ કાંઠેના સૂર્ય મંદિર તથા અન્ય દેવળોમાં લોકો દર્શન કરે છે.

ગામમાં ઠેર ઠેર ગાયોને ચારો, ખીચડી ખવરાવી કંકુ-ચાંદલો કરી ગાય-પૂજા થતી રહે છે.

સોમનાથની બજારોમાં પણ તલ-સાંકળી, માંડવી પાક- તેમજ સંક્રાંન્તિ અનુરૂપો પાકો અને પતંગ વેંચાણ પર્વની હાજરી નોંધાવવા કરાતું રહેતું હોય છે.ગામડે - ગામડેથી નવા કપડાં પહેરી સયુંકત કુટુંબો-પરિવારો - ભાઇ-દોસ્ત-મીત્રો સંક્રંાંતે સોમનાથ દર્શન અને સાગર દર્શન કરી ધન્ય બને છે.

(12:26 pm IST)