સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 16th September 2020

જુનાગઢ સિવિલમાં બે માસમાં માત્ર કોરોનાને લઇ નહિ અન્ય બિમારીથી ર૮૬ મોતઃ કલેકટર

મોતનું રજીસ્ટર ગાયબ થયા અંગે સીવિલ સર્જન દ્વારા તપાસ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા. ૧૬ : જુનાગઢ સીવિલ હોસ્પિટલમાં ૪૪ દિવસમાં કોરોનાથી ર૮૬ દર્દીના મોત થયા હોવાની અને મૃત્યુની સંખ્યા છુપાવાતી હોવાના અહેવાલ પ્રસિદ્ધ થતાં તંત્રમાં હડકંપ મચી જવા પામ્યો હતો.

જોકે લેકટર ડો. સૌરભ પારધીએ દાવો કર્યો છે કે, જુનાગઢ સીવીલમાં છેલ્લા બે માસમાં કુલ ર૮૬ મોત થયા છે જેમાં માત્ર કોરોનાથી નહિ અન્ય બિમારીને લઇ સારવારમાં હોય તેવા દર્દીના મોતનો સમાવેશ થાય છે.

જુનાગઢ જિલ્લા સમાહર્તા ડો. સૌરભ પારધીએ આજે સવારે અકિલા સાથેની ટેલીફોનિક વાતચીતમાં જૂનાગઢ સીવીલમાં ર૮૬ કોરોનાગ્રસ્તોના મોત થયા હોવાના પ્રસિદ્ધ થયેલા અહેવાલો અંગે ખેદ વ્યકત કરતા જણાવેલ કે, છેલ્લા બે માસમાં જૂનાગઢ સીવિલમાં જુદી જુદી સારવાર હેઠળ હોય તેવા ર૮૬ દર્દીના મૃત્યુ થયા છે જેમાં માત્ર કોરોના દર્દીઓ જ નથી.

કલેકટરશ્રીએ વધુમાં જણાવેલ કે અહેવાલ સદંતર ખોટા છે. હોસ્પિટલના ડેથ રજીસ્ટરમાં કુલ મૃત્યુની સંખ્યા છે અને કોરોનાના દર્દીના મોતની સંખ્યા છુપાવવાનો કોઇ સવાલ નથી.

સીવિલ હોસ્પિટલમાંથી ડેથ રજીસ્ટર ચોરી લેવામાં આવેલ તેમ જણાવીને તેઓએ ઉમેર્યું હતું કે, આ મામલે સીવિલ સર્જન દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે અને સીસીટીવી કેમેરાના ફુટેજના આધારે ડેથ રજીસ્ટર અને કલાક કંઇ રીતે ગાયબ રહ્યું તેની માહિતી બહાર લાવવામાં આવશે.

તેમણે જણાવેલ કે, જુદા જુદા માધ્યોથી લોકોને ભરમાવવામાં આવી રહ્યા છે તે વ્યાજબી નથી અને સીવિલ હોસ્પિટલમાં માત્ર એકજ ડેથ રજીસ્ટર છે જેમાં કોવિડ અને અન્ય દર્દીના મોતની વિગત દર્શાવવામાં આવી રહી છે.

જુનાગઢ સીવિલ અને મેડીકલ કોલેજમાં છેલ્લા બે માસમાં જુદા જુદા કારણસર કુલ ર૮૬ મોત થયા છે. તેમ જણાવીને કલેકટર ડો. સૌરભ પારધીએ વધુમાં જણાવેલ કે, ડેથ રજીસ્ટર ચોરી જવાના મામલે જરૂરથી કાર્યવાહી કરવામાં આવશે.

(12:53 pm IST)