સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 17th September 2020

જામકંડોરણા પોલીસે અત્યાચારની માઝા મૂકી ! અનિરૂદ્ધસિંહને ફરી ગોંધી રાખી ત્રાસ ગુજારતા પેરેલેસીસનો એટેક આવી ગયો..

પોલીસના અસહ્ય મારથી હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ અનિરૂદ્ધસિંહને ગત ૧૪મીએ પોલીસ ફરી પાછી ઉપાડી જઇ ગોંધી રાખી ત્રાસ ગુજાર્યો : પુત્ર દિગુભાનો આક્ષેપ : ત્રણ દિ'થી ગોંધી રખાયેલ અનિરૂદ્ધસિંહને જમવાનું કે દવા પણ પોલીસ આપવા ન દેતા પેરેલેસીસનો એટેક આવી ગ્યો : પુત્ર દિગુભા : અનિરૂદ્ધસિંહને જુનાગઢ બાદ રાજકોટ ખાનગી હોસ્પિટલમાં ખસેડવા તજવીજ ક્ષત્રિય સમાજના આગેવાનો પોલીસ અત્યાચાર અંગે એસ.પી. અને રેન્જ ડી.આઇ.જી.ને રજુઆત કરી

તસ્વીરમાં પોલીસ અત્યાચારનો ભોગ બનેલ હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલ અનિરૂદ્ધસિંહ નજરે પડે છે. બીજી તસ્વીરમાં પગમાં પોલીસ અત્યાચારના ઇજાના નિશાન નજરે પડે છે. 

રાજકોટ તા. ૧૭ :.. જામકંડોરણા પોલીસે અત્યાચારની માઝા મૂકી હોય તેમ અગાઉ પોલીસ અત્યાચારની ફરીયાદ કરનાર જામકંડોરણાના ગરાસીયા પ્રૌઢને પોલીસે ફરી ઉપાડી જઇ ત્રણ દિ' સુધી ગોંધી રાખી અત્યાચાર ગુજારતા પોલીસના સિતમનો ભોગ બનેલ ગરાસીયા પ્રૌઢને પેરેલીસીસ સાથે એટેક આવી જતા જૂનાગઢ હોસ્પીટલમાં ખસેડાયો છે. પોલીસ અત્યાચારના આ ઘટનાના ક્ષત્રીય સમાજમાં ઘેરા પડઘા પડયા છે. અને આ અંગે રાજકોટ રૂરલ એસ. પી. તથા રેન્જ ડીઆઇજીને લેખીત રજૂઆત કરાઇ છે.

પોલીસ અત્યાચારનો ભોગ બનનાર અનિરૂધ્ધસિંહના પુત્ર દિગુભા જાડેજાએ જણાવ્યું હતું કે ગત તા. ર નાં રોજ જામકંડોરણામાં બાઇક અથડાવવા જેવી નજીવી બાબતે તેના પિતા અનિરૂધ્ધસિંહ દોલુભા જાડેજાને જામકંડોરણાના પીએસઆઇ જે. યુ. ગોહીલ તથા સ્ટાફે ઢોર માર મારતા અનિરૂધ્ધસિંહને ઇજાગ્રસ્ત હાલતમાં રાજકોટ સીવીલ હોસ્પીટલમાં ખસેડાયા હતાં. જયાં પ દિ' સુધી સારવાર અપાઇ હતી ત્યારબાદ ૭ મી તારીખે રજા અપાઇ હતી.

હોસ્પીટલમાંથી રજા અપાયા બદ ગત તા. ૧૪ મીએ અનિરૂધ્ધસિંહ જાડેજા તેની દુકાને બેઠા હતા ત્યારે જામકંડોરણાના પીએસઆઇ જે. યુ. ગોહીલે તથ સ્ટાફ જૂના કેસમાં તમારી પુછતાછ કરવાની છે તેમ કહી ફરી પોલીસ મથકે લઇ ગયા હતા. અને ત્યાં ત્રણ દિ' સુધી ગોંધી રાખી અત્યાચાર ગુજારતા અનિરૂધ્ધસિંહને આજે સવારે પોલીસ મથકમાં જ પેરેલેસીસનો એટેક આવી જતા પ્રથમ જામકંડોરણા બાદમાં જૂનાગઢ હોસ્પીટલમાં ખસેડાયા હતા. ત્યાંથી રાજકોટ હોસ્પીટલમાં ખસેડવા તજવીજ હાથ ધરાઇ હોવાનું પુત્ર દિગુભાએ જણાવ્યું હતું.

પોલીસ અત્યાચારનો ભોગ બનેલ અનિરૂધ્ધસિંહના પુત્ર દિગુભાએ જણાવ્યું હતું કે, જામકંડોરણા પોલીસ રક્ષકના બદલે ભક્ષક બની ગઇ  હોય તેમ પોલીસ અત્યાચારની ફરીયાદ કરનાર તેના પિતાને ફરી ઉપાડી જઇ ગોંધી રાખી ત્રાસ ગુજારતા પેરેલીસીસનો એટેક આવી ગયો છે.

પુત્ર દિગુભાએ જામકંડોરણાના પીએસઆઇ જે.યુ. ગોહિલ તથા સ્ટાફ સામે ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, તેના પિતા અનિરૂદ્ધસિંહએ કોઇ ગંભીર ગુન્હો કર્યો હોય તેમ તેઓને પોલીસ ત્રણ દિ'થી મળવા જવા દેતી ન હતી. એટલું જ મારા પિતાની દવા અને જમવાનું ટીફીન દેવા ગયો તો પોલીસે દવા અને ટીફીન પણ લેવાની ના પાડી હતી. પોલીસ મથકથી મારૂ ઘર ફકત ૪૦૦ મીટર છે છતાં પોલીસ તેના પિતાને દવા કે જમવાનું ટીફીન આપવાની સ્પષ્ટ ના પાડી મળવા દેવાનો પણ સ્પષ્ટ ઇન્કાર કર્યો હતો. પોલીસે અસહ્ય ત્રાસ ગુજારતા જ મારા પિતાને પેરેલીસીસનો એટેક આવી ગયો છે. અગાઉ પણ મારા પિતા અનિરૂદ્ધસિંહ પી.એસ.આઇ. જે.યુ. ગોહિલ તથા સ્ટાફ સામે પોલીસ ફરીયાદ કરવા માંગતા હતાં, પણ અમારી ફરીયાદ પોલીસે લીધી ન હતી અને આ પોલીસ અત્યાચારની ફરીયાદો જાહેર થતાં તેનો ખાર રાખી પી.એસ.આઇ. જે.યુ. ગોહિલે મારા પિતાને ફરી પોલીસ મથકે ઉપાડી જઇ ત્રણ દિ' સુધી ગોંધી રાખી અત્યાચાર ગુજાર્યો છે.

દરમિયાન જામકંડોરણા પોલીસની આ અત્યાચારની ઘટનાના ક્ષત્રીય સમાજમાં ઘેરા પડઘા પડયા છે. રાજકોટ તથા જામકંડોરણા ક્ષત્રીય સમાજના આગેવાનોએ રાજકોટ રૂરલ એસ.પી.તથા રેન્જ ડી.આઇ.જી.સંદીપસિંહને મળી આ બનાવ અંગે ઉંડાણપૂર્વક તપાસ કરી અત્યાચાર ગુજારનાર પોલીસ અધિકારી સામે કડક પગલા ભરવા રજુઆતો કરી હતી.

(4:06 pm IST)