સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 18th October 2020

પેટાચૂંટણી પૂર્વે મોરબી નપાના ૮ સભ્યો ભાજપના ખોળામાં

કિશોર ચિખલીયા બાદ ૮ નેતા ભાજપમાં જશે : જાય એને જવા દો સાહેબ, અમુક લોકો સત્તા અને રૂપિયા પાછળ ગાંડા છે : હાર્દિક પટેલે સોશિયલ મીડિયા પર પોસ્ટ

મોરબી,તા.૧૮ : મોરબી વિધાનસભાની પેટાચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક મોટો ફટકો પડ્યો છે. કિશોર ચીખલીયા બાદ મોરબી નગરપાલિકા પ્રમુખ પણ હવે ભાજપમાં જોડાવા જઈ રહ્યાં છે. નગરપાલિકા પ્રમુખ સહિત નગરપાલિકાના ૮ સભ્યો ભાજપમાં જોડાવાના છે. નગરપાલિકા પ્રમુખ કેતન વિલપરા, નગરપાલિકા સભ્ય બિપિન દેત્રોજા, નવીન ઘુમલીયા, અશોક કાંજીયા, જીતેન્દ્ર ફેફર, ઈદરીશ જેડા, જયદીપસિંહ રાઠોડ અને અરુણા બા જાડેજા સહિત ૮ સભ્યો ભાજપનો ખેસ ધારણ કરશે. મોરબી બેઠક પર કોંગ્રેસમાંથી આયાતી ઉમેદવાર બ્રિજેશ મેરજા અને જયંતી પટેલ વચ્ચે પેટાચૂંટણીનો જંગ છે. મોરબીમાં પેટાચૂંટણીમાં છેલ્લાં કેટલાક દિવસોથી મોટી રાજકીય ઉથલપાથલ જોવા મળી છે. તાજેતરમાં જ આ સીટ પર કોંગ્રેસની ટિકિટ માટેના પ્રબલ દાવેદાર કિશોર ચિખલીયાનું નામ કપાતા તેઓ નારાજ થયા હતા અને કિશોર ચિખલીયા આજે કોંગ્રેસ સાથે છેડો ફાડીને પોતાના કાર્યકર્તાઓ સાથે ભાજપમા જોડાયા હતા

           . ત્યારે મોરબી બેઠક પર કોંગ્રેસને વધુ એક ફટકો પડ્યો છે. અહીં નગરપાલિકાના એકસાથે ૮ નેતાઓએ ભાજપની પડખે ઉભા રહેવાનું નક્કી કર્યું છે. મોરબીમાં એક પછી એક નેતા ભાજપમાં જોડાતા કોંગ્રેસ માટે પેટાચૂંટણીનો જંગ કપરો બની રહેશે. ત્યારે આ વિશે કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે. તેઓએ કહ્યું કે, જાય એને જવા દો સાહેબ, અમુક લોકો સત્તા અને રૂપિયા પાછળ ગાંડા છે. મને ઈ નહિ ફાવે ભાઈ. એક પછી એક મોરબીમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ ભાજપમાં ખોળામાં જઈને બેસતા હવે જોવું એ રહ્યું કે પેટાચૂંટણીમાં મતદારોનો મત કોના તરફી રહે છે. પ્રજાએ ભૂતકાળમાં પક્ષપલટુઓને જાકારો આપ્યો છે. ત્યારે હવે આ રાજકીય ગતિવિધિ કોને ફાયદો કરાવે છે અને કોને નુકસાન કરાવે છે તે ૩ નવેમ્બરે જ માલૂમ પડશે.

(7:22 pm IST)