ઉનામાં ઓટો ગેરેજમાં બાઇકના ૩ એન્જીન ચેસીસ સહિત ર૩ હજારનો શંકાસ્પદ મુદ્દામાલ ઝડપાયો
ચોરાઉ બાઇકના સ્પેરપાર્ટસ કાઢી વેચાણ થતાની પોલીસને શંકા
ઉના, તા.૧૯ : સર્કીટ હાઉસ પાસે ઓટો ગેરેજવાળા ફારૂકભાઇ મન્નસુરીના મકાનમાંથી મોટર સાયકલના ૩ એન્જીન, પડીયા નંગ-૬૬ અને મોટર સાયકલની ચેસીસ નંગ-ર શંકાસ્પદ જણાતા રૂ. ર૩,પ૦૦ના મુદ્દામાલ સાથે પકડી ઉના પોલીસને સોંપ્યો છે. ચોરાઉ મોટર સાયકલના સ્પેરપાર્ટ કાઢી વેંચી નાખતો હોવાની પોલીસને શંકા સાથે તપાસ થઇ રહી છે.
મોદેશ્વર જતા રોડ ઉપર સર્કીટ હાઉસ પાસે ઓટો ગેરેજ ધરાવતા ફારૂકભાઇ અલ્લારખાભાઇ મન્સુરી રે. ઉના વાળાને ગીર સોમનાથ જીલ્લાની એસ.ઓ.જી. પોલીસ એસ.પી. ચાવડા, આઇ.બી. બાનવા, કમલેશભાઇ પીઠીયા, મેહુલસિંહ પ્રતાપસિંહએ બાતમીના આધારે તપાસ કરતા તેમના ઘરમાંથી હોન્ડા કાું.ની એન્જીન-૧, હિરોહોન્ડા કાું. એન્જીન-ર કુલ ૩ એન્જીન તથા ખુલેલા એન્જીનના અલગ અલગ લોખંડના પડીયા કુલ-૬૬ પડીયા મળી રૂ. ર૩પ૦૦નો મુદામાલ શંકાસ્પદ જણાતા ૧૦ર મુજબ કબ્જે કરી આ શખ્સને કલમ ૪૧(૧) ડી મુજબ લઇ ઉના પોલીસ સ્ટેશને લાવી આ એન્જીન તથા મોટર સાયકલના સ્પેરપાર્ટ કોની પાસેથી ખરીદેલ કે ચોરીની મોટર સાયકલ સ્પેરપાર્ટ છુટા પાડી વેચતો હોય તેની તપાસ કરી રહ્યા છે