સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 20th October 2020

વીરપુર ટોલનાકા સાઇડ રસ્તો ખુલ્લો મુકવા માંગણી

વીરપુર :   વીરપુરના પીઠડીયા ગામ પાસેના હાઇવે ઓથોરિટી દ્વારા બનાવેલ ટોલપ્લાઝાએ દ્વિ ચક્રીય,ત્રી ચક્રીય વાહનો ઉપરાંત પીઠડીયા, વીરપુર, થોરાળા વિસ્તારમાં ખેતીની જમીન ધરાવતા ખેડૂતોના અવરજવર માટે ટોલ બુથની બંને બાજુની પાંચ પાંચ લાઈનમાંથી છેલ્લી લાઈન ખુલ્લી રાખવામાં આવે છે. પરંતુ થોડા દિવસોથી ટોલ ચાર્જમાંથી બાકાત રહેલ આ વાહનો પસાર થવાના છેલ્લા બુથની આડે ખાલી બેરેલ તેમજ બેરીકેડની આડશ ઉભી કરી દેવામાં આવી છે. જેમાંથી દ્વિ ચક્રીય વાહન તો જેમતેમ કરીને અથડાતો પણ નીકળી જાય છે. પરંતુ ઓટો કે છકડો રીક્ષા તેમજ બળદગાડુ કોઈ કાળે નીકળી શકતા નથી. જેથી તેઓ વાહનમાંથી નીચે ઉતરીને આડશ હટાવવા જાય તો ટોલબુથ કર્મચારીઓ દાદાગીરી કરે છે. અને ભૂતકાળમાં બળદગાડાના રસ્તા બાબતે ટોલનાકાએ ખેડૂત આગેવાનોએ આંદોલન પણ કર્યા છે. જેમાં સરકારી પ્રશાસન દ્વારા રસ્તો ખોલાવી સમાધાન કરાવ્યા છે. આમ , છતાં ટોલનાકાની દાદાગીરીનો ભોગ નાના વાહન ચાલક તેમજ ખેડૂતો બની રહ્યા હોવાથી સત્વરે રસ્તો ખુલ્લો મુકાવવા ખેડૂતોએ સરકારી પ્રશાસન પાસે માંગ કરી છે.ટોલનાકા સાઇડ રોડ ઉપર આડશ મુકાય તે તસ્વીર.(તસ્વીર : કિશન મોરબીયા, વિરપુર)

(11:23 am IST)