સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 22nd January 2021

ગાંધીધામ માળિયા વચ્ચે નવો રસ્તો શરૂ કરવા, સંકુલની જમીનો ફ્રી હોલ્ડ કરવા અને ફર્નિચર પાર્ક માટેની જમીન માટે રહેલ અંતરાય દૂર કરાશે : મનસુખ માંડવીયા

કેન્દ્રીય શિપિંગ મંત્રીનું વ્યાપારી પ્રતિનિધિ મંડળની રજુઆત દરમ્યાન હકારાત્મક વલણ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા. રર : (ભુજ) કચ્છમાં ધોરડો મધ્યે દેશના મહાબંદરોના અધિકારીઓની ચિંતન બેઠક માટે આવેલા કેન્દ્રીય શિપિંગ મંત્રી મનસુખ માંડવીયા સમક્ષ ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સંકુલને સ્પર્શતા પ્રશ્નોેના નિરાકરણ માટે રજૂઆત કરાઈ હતી.

અઢી વર્ષ પૂર્વે કંડલા, ગાંધીધામ, આદિપુર સંકુલની જમીનો ફ્રી હોલ્ડ કરવા માટે નિર્ણય કરી જાહેરાત થયા બાદ કોઈ કાર્યવાહી થઈ ન હોવાનું ચેમ્બર દ્વારા જણાવાયું હતું. આ ઉપરાંત ફર્નિચર પાર્ક માટે અન્ય જગ્યાએ જમીન ફાળવવા માટે રજૂઆત કરાઈ હતી.

સૌરાષ્ટ્ર સાથે સાગરકાંઠા ને જોડતા કંડલા માળીયા હાઈવે બનાવવા રજૂઆત કરાઈ હતી. દરમ્યાન કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા એ આ તમામ પ્રશ્નો નુ હકારાત્મક નિરાકરણ લાવવા ખાત્રી આપી હતી.

રજૂઆતમાં ચેમ્બર પ્રમુખ અનિલ જૈન સહિત અન્ય હોદેદારો તેમ જ કંડલા પોર્ટના ચેરમેન એસ.કે. મહેતા ઉપસ્થિત રહ્યા હતા

(11:43 am IST)