સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 22nd October 2020

કચ્છમાં ૨૬ કેસ : ચૂંટણીવાળા ત્રણેય તાલુકા સતત કોરોના મુકત : મોરબી જીલ્લામાં ઘટ્યાઃ માત્ર ૯ કેસ

ભાવનગરમાં ૧૨ પોઝીટીવ ૨૧ દર્દી સ્વસ્થ થઇ ગયા

રાજકોટ,તા.૨૨ : સૌરાષ્ટ્ર કચ્છમાં કોરોનાના દર્દીઓની વધ-ઘટ યથાવત રહેવા પામી છે. જો કે કોરોના સંક્રમણ શમી જવાનું નામ લેતો નથી એ સ્પષ્ટ છે.

ભૂજમાં ૧૪ કેસ

કોરોના ફડફડાટ અબડાસા વિસ્તારનાં ત્રણ તાલુકામાં વિધાનસભાની પેટા ચુંટણીનો ધમધમાટ વરતાઈ રહ્યો છે. જોકે, કોરોનાના નવા ૨૬ કેસ નોધાયા છે, પણ ચુંટણી છે તે ત્રણેય તાલુકાઓ નખત્રાણા, લખપત અને અબડાસા સતત કોરોના મુકત હોવાનું વહીવટીતંત્રના આંકડાઓ બતાવી રહ્યા છે. નવા ૨૬ કેસોમાં સૌથી વધુ ૧૪ કેસ ભુજમાં છે. તે સિવાય અંજાર અને રાપરમાં ૩-૩, ગાંધીધામ અને માંડવીમાં ૨-૨, ભચાઉ અને મુન્દ્રામાં ૧-૧ કેસ નોધાયા છે. એકિટવ કેસ દ્યટીને ૨૭૬ થયા છે. કુલ કેસ ૨૬૦૦ ઉપર પહોંચ્યા છે. સાજા થયેલા દર્દીઓ ૨૨૧૧ થયા છે. મૃત્યુ આંકમાં લુકાછૂપીનો ખેલ ચાલુ છે. સરકારી ચોપડે ૭૦ અને બિનસતાવાર ૧૨૦ મોત થયા છે.

ભાવનગરમાં ૯૦ દર્દીઓ સારવાર હેઠળ

ભાવનગર જિલ્લામા વધુ ૧૨ નવા કોરોના પોઝીટીવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૪,૬૩૬ થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા ૬ પુરૂષ અને ૩ સ્ત્રી મળી કુલ ૯ કેસો નોંધાયા છે. જયારે તાલુકાઓમા દ્યોદ્યા તાલુકાના મામસા ગામ ખાતે ૧, સિહોર ખાતે ૧ તેમજ વલ્લભીપુર તાલુકાના હળીયાદ ગામ ખાતે ૧ કેસ મળી કુલ ૩ લોકોના કોરોના રીપોર્ટ પોઝિટિવ આવતા તેમને વધુ સારવાર માટે દાખલ કરવામા આવેલ છે.

જયારે આજરોજ ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારના ૧૮ અને તાલુકાઓના ૩ એમ કુલ ૨૧ કોરોના પોઝિટિવ દર્દી કોરોનામુકત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે

આમ જિલ્લામા નોંધાયેલા ૪,૬૩૬ કેસ પૈકી હાલ ૯૦ દર્દીઓ સારવાર હેઠળ છે. જયારે અત્યાર સુધીમા કુલ ૪,૪૭૧ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામા આવ્યા છે તેમજ જિલ્લામા ૬૮ દર્દીઓનુ અવસાન થયેલ છે.

મોરબી અને વાંકાનેરમાં, ૧૧ દર્દી સ્વસ્થ

મોરબી શહેર અને જીલ્લામાં કોરોનાના કેસો સતત દ્યટી રહ્યા હોય સામે રીકવરી રેટ વધુ હોવાનું દર્શાવવામાં આવી રહ્યું છે જેમાં   મોરબી અને વાંકાનેરમાં કોરોનાના માત્ર ૦૯ કેસો નોંધાયા છે જેની સામે ૧૧ દર્દીઓ સ્વસ્થ થયા છે

 મોરબી જીલ્લામાં   નવા કેસોમાં મોરબી તાલુકાના ૦૮ કેસમાં ૦૬ ગ્રામ્ય અને ૦૨ શહેરી વિસ્તારમાં જયારે વાંકાનેરનો ૦૧ કેસ શહેરી વિસ્તારમાં મળીને કુલ ૦૯ કેસો જ નોંધાયા છે તો વધુ ૧૧ દર્દીઓ સ્વસ્થ થયા છે નવા કેસો સાથે જીલ્લામાં કુલ કેસનો આંક ૨૦૭૦ થયો છે જેમાં ૧૬૧ એકટીવ કેસ છે તો ૧૭૯૨ દર્દીઓ સ્વસ્થ થઇ ચૂકયા છે.

(11:41 am IST)