સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 23rd October 2020

ચોરવિરાના જવાનને અંતિમ વિદાય માટે મહેરામણ ઉમટ્યું

કાશ્મીરમાં ફરજ દરમિયાન જવાન શહીદ થયા હતા : દુશ્મન દેશના ગોળીબારમાં શહીદ રઘુભાઈને સુદમડાથી ચોરવિરા ગામ સુધી બાઈક રેલી યોજી શ્રધ્ધાંજલિ અપાઈ

ચોટીલા, તા. ૨૩ : મા ભોમની રક્ષા કાજે ફરી એકવાર ગુજરાતના જવાનને લઈને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાતનો જવાન જમ્મુ કાશ્મીરમાં શહીદ થયો હોવાના અહેવાલ મળતા તેમના પરિવારજનો પર દુઃખના ડુંગરો તૂટી પડ્યા છે. ગુજરાતનો આ જવાન ચોટીલાના ચોરવિરા ગામનો હોવાનું સામે આવ્યું છે. જેનું નામ રઘુભાઈ બાળવિયા છે, જેઓ આર્મીમાં પોતાની ફરજ બજાવતા હતા. પરંતુ દુશ્મન દેશો સાથેના ગોળીબારમાં તેમને ગોળી વાગતા તેમનું મૃત્યું થયું છે.

ગુજરાતના શહીદ જવાનનો નશ્વરદેહને તેમના વતનમાં શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે. એટલું જ નહીં, તેમના માનમાં સુદમડાથી ચોરવિડા ગામ સુધી બાઈક રેલી પણ કરવામાં આવી હતી.

વીર જવાન શહીદના નશ્વરદેહને સુદમડાથી બાઈક રેલી સાથે શ્રદ્ધાંજલિ આપવામાં આવતા હજારો લોકો તેમના અંતિમ દર્શન માટે હાજર રહ્યા હતા. લેહમાં શહીદ થયેલા રઘુભાઇને ગ્રામજનો દ્વારા શ્રદ્ધાંજલિ પણ આપવામાં આવી છે. સુદમડાં, દેવગઢ સહિતના ગ્રામજનો દ્વારા ગુજરાતના આ વીર સપૂતને શ્રદ્ધાંજલિ અર્પી શ્રદ્ધાસૂમન આપવામાં આવ્યા છે. ..

બે દિવસ પહેલા ગુજરાતનો વધુ એક વીર સપૂત જમ્મૂ કાશ્મીરમાં શહીદ થયો હતો. ચોટીલાના રઘુભાઈ બાવળિયા નામના આર્મીનો જવાન શહીદ થયો હતો. આ વિશે માહિતી મળી રહી છે કે ચોટીલાના રઘુભાઈ બાવળિયા કાશ્મીરમાં પોતાની ફરજ બજાવી રહ્યા હતા ત્યારે દુશ્મન દેશ સાથેના ગોળીબારમાં મા ભૌમની રક્ષા કાજે તેમને ગોળી વાગતા તેઓ શહીદ થયા હતા. ચોટીલા નજીક આવેલ ચોરવિરા ગામે શહીદવીર રઘુભાઈ બાવળિયાના નશ્વરદેહને લાવવામાં આવ્યો હતો, જ્યાં તેમના માનમાં બાઈકરેલી કરીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે.

(9:01 pm IST)