સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 24th September 2020

જુનાગઢ ગિરનાર પર્વત પર ૧પ-૧પ દિવસથી અંધારપટથી ભાવિકોમાં રોષ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા. ર૪ : ગિરનાર પર્વતની ટોચ ઉપર બિરાજમાન માં અંબાજીના મંદિરમાં છેલ્લા પંદર દિવસથી વિજળી ગુલ અવાર નવારની રજુઆતો કરાઇ છતાં પીજીવીસીએલના બહેરા કાન વાત પહોંચતી નથી. મહંત તનસુખગીરી બાપુ દ્વારા પીજીવીસીએલના અધિકારીશ્રીને અનેકવાર ટેલીફોનિક રજૂઆત કરાઇ છતાં આજે થઇ જશે કાલે થઇ જશે તેવા જવાબો મળતા રહ્યાં સ્થાનિક પદાધિકારીઓને રજુઆત કરાઇ છતાં પીજીવીસીએલના અધિકારીના પેટનું પાણી પણ ના હલતા બાપુએ ઉચ્ચકક્ષાએ રજૂઆત કરેલ છે.

મંદિરમાં અંધાર પટના કારણે મોબાઇલના પ્રકાશે આરતી કરવી પડે છે અને પાણીના ટાકા ભરવા પણ મુશ્કેલ બનેલ છે અને અત્યારે રોપવેનું કામ ચાલુ હોય ત્યાં કામ કરતા કારીગરો પણ લાઇટના કારણે મુશ્કેલીમાં મૂકાયા છે.

દર્શને આવતા ભાવિકોમાં પણ અંધેર વહીવટ સામે રોષ પ્રગટ થયો છે ત્યારે પીજીવીસીએલ દ્વારા મંદિરમાં તાત્કાલીક અંધાર પટ દૂર કરવા લાઇનને વહેલી તકે રીપેર કરી અંબાજી મંદિરને જળહળતું કરવા મહંત તનસુખગીરી બાપુએ અંતમાં પ્રશાસન પાસે માંગણી કરેલ છે.

(11:49 am IST)