સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 25th September 2020

ઉપલેટા તાલુકામાં ખનીજ માફીયાઓ ફરી બેફામ રસ્તા અને ખનીજ મળી કરોડો રૂપિયાનું નુકશાન

(કૃષ્ણકાંત ચોટાઇ દ્વારા) ઉપલેટા તા. રપઃ તાલુકાના લગભગ ૧પ કિ.મી.ના એરીયામાં ત્રણ મોટી નદીઓમાં ભાદર-મોજ અને વેણુ નદી પસાર થાય છે. સામાન્ય રીતે નદીમાં ખનીજ (રેતી) નું પ્રમાણ પુરતા પ્રમાણમાં હોવાથી છેલ્લા ૧૦ વર્ષથી ખનીજ માફીયાઓ દ્વારા રાત દિવસ ગેરકાયદેસર રીતે ખનીજ ચોરી કરી સરકારને કરોડો રૂપિયાનું નુકશાન પહોંચાડી રહ્યા છે.

આ બાબતે છેલ્લા ઘણા વર્ષોથી ઉપલેટા તાલુકાની ત્રણ મોટી નદીઓમાં માફીયાઓ સક્રિય થયા છે. અને લાખો રૂપિયાની રોયલ્ટી ચોરી કરી નદીમાંથી લોડીંગ કરી અહિંથી રાજકોટ, જામનગર, જુનાગઢ સહિતના સેન્ટરોમાં મોટાપાયે રેતીનું વહેંચાણ કરી કરોડો રૂપિયાનો કાળો કારોબાર ચલાવી રહ્યા છે. ગેરકાયદેસર રેતીનો ધંધો તો એક તરફ રહ્યો પરંતુ જે રસ્તા પરથી આ લોડેડ વાહનો પસાર થાય તે રસ્તામાં અત્યારના તબકકે બે-બે ફુટ ઉંડા ખાડા પડી ગયા છે. દર ૬ મહિને આ રસ્તાઓ રીપેર કરવામાં આવે છે પરંતુ ઓવરલોડ વાહનોને કારણે ફરીથી રોડ રસ્તાઓ ખરાબ થવાની ફરીયાદ તાલુકાના ગામડાઓમાં ઉઠતી રહે છે.

હાલ આ ખનીજ માફીયાઓ ભાદર અને મોજ નદીમાં પાણીના પુર હોવાથી વેણુ-ર નદીમાં સક્રિય થયા છે અને વેણુ નદીમાંથી રેતી ચોરી કરી નાગવદર, વરજાંગ જાળીયા તેમજ નાગવદર ગધેથડ રોડ પરથી પસાર થતા હોવાથી રસ્તા ઉપર ર-ર ફુટ જેટલા મોટા ખાડા પડી જવાથી અન્ય વાહનો એસ.ટી. બસ તેમજ મોટા વાહનો અવર-જવર કરી શકતા નથી. આ રોડને એક વખત મેટલ પાથરી રીપેરીંગ કરાવેલ પરંતુ એકજ અઠવાડીયામાં ફરીથી રસ્તાની હાલત પહેલાથી ખરાબર રેતી ચોરીથી માંડી રોડ રસ્તાને કરોડો રૂપિયાનું નુકશાન તંત્રની નજર સામે હોવા છતાં કંઇ થતું નથી. વહેલી તકે ઉપલેટા તાલુકાની નદીઓમાંથી થતી ખનીજ ચોરી અટકાવવા તાલુકાના લોકોએ માંગણી કરેલ છે. અને અનેક વખત ઉચ્ચ કક્ષાઓ સુધી રજુઆતો કરેલ છે. પરંતુ પરીણામ ન મળતું હોવાથી હવે લોકો પણ આ તમાસો જોવા ટેવાયા છે.

(11:31 am IST)