સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 25th September 2020

મોરબીમાં કોમ્યુનીટી કોવીડ સેન્ટર ચાલુ કરવા ચેમ્બરની માંગણી : કલેકટરની રજૂઆત

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા.રપ :  મોરબી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ પ્રમુખ જયંતીભાઈ પટેલે જીલ્લા કલેકટરને પત્ર લખી જણાવ્યું છે કે મોરબી શહેર અને જીલ્લામાં કોરોના કેસો સતત વધી રહ્યા છે જેથી વહીવટી તંત્ર દ્વારા સરકારી ઉપરાંત ખાનગી હોસ્પિટલમાં વધુને વધુ દર્દીઓને સારવાર માટે દાખલ કરી સકાય તેવી વ્યવસ્થા સતત કરવામાં આવી રહી છે છતાં અનેક દર્દીઓ સારવારથી વંચિત હોવાથી મૃત્યુ પામે છે હાલની સ્થિતિમાં સુરતની જેમ કોમ્યુનીટી કોવીડ કેર સેન્ટર શરુ કરવાની ઝુંબેશ ઉપાડવાની ખાસ જરૂર છે આગેવાનો અને જ્ઞાતિ મંડળો સ્વૈચ્છિક રીતે આગળ આવે અને સમાજના વંચિત લોકો માટે કોવીડ કેર સેન્ટર શરુ કરે તે માટે સમજણ આપવામાં આવે સરકાર તરફથી શકય મદદ આપવામાં આવે તો જીલ્લામાં દ્યણી જ જ્ઞાતિના કોમ્યુનીટી કોરોના કેર સેન્ટર ખોલી સકાય તેમ છે.

જે બાબતોને ધ્યાને લઈને સમાજના દરેક જ્ઞાતિ આગેવાનોની મીટીંગ રાખવામાં આવે તેવું આયોજન કરી કોમ્યુનીટી કોવીડ કેર સેન્ટર શરુ કરવાની દિશામાં પહેલ કરવાની માંગ કરવામાં આવી છે.

તાલુકાના રસ્તાઓના રી-સરફેસીંગ મજબૂતીકરણના ટેન્ડર મંજૂર

 મોરબી તાલુકાના મોરબી-સોખડા રોડ, મોરબી-રંગપર રોડ, મોરબી-અમરનગર રોડ, મોરબી ગુંગણ રોડ અને મોરબી-બેલા શનાળા (ત) રોડ જે વર્ષો પહેલા ડામર સપાટીથી થયેલ પરંતુ ડામર સપાટી બિસ્માર હાલતમાં બની જતા ખાસ મરામત યોજના હેઠળ આ રસ્તાઓ માટે તત્કાલીન ધારાસભ્ય તરીકે બ્રિજેશ મેરજાએ રસ્તાના કામ માટે રૂ ૮૦ લાખના જોબ નંબર મેળવેલ

આ ફાળવેલ જોબ નંબરની ટેન્ડર પ્રક્રિયા માટે માર્ગ- મકાન વિભાગના સંબંધિત અધિકારીઓ સાથે સતત ફોલોઅપ લઇ ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરાવી કોન્ટ્રાકટરને વર્ક ઓર્ડર અપાવેલ છે પાંચેય રસ્તાની કામગીરી તાકીદે શરુ કરાશે મોરબી તાલુકાના પાંચ એપ્રોચ રોડને પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ જોબ નંબર મેળવવા, ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરાવી અને વર્ક ઓર્ડર અપાવવા સુધીની ફોલોઅપ લઇ બ્રિજેશ મેરજા દ્વારા કરેલ રજૂઆતની જહેમત ફળી હતી

ફાયનાન્સ કંપનીઓને ગ્રાહકોને કનડગત

 મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ પ્રમુખ લાલજીભાઈ મહેતાએ જણાવ્યું છે કે લોકડાઉનને પગલે રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ બેંક ગ્રાહકોને હપ્તા તેમજ વ્યાજમાં રાહત આપી હતી જોકે પ્રાઇવેટ ફાઈનાન્સ વાળાએ વ્યાજના હપ્તા તથા ચેક રીટર્નનો દંડ લીધો છે માર્ચ મહિનાથી લોકડાઉન ચાલે છે વેપાર ધંધા નથી લોન પર લીધેલા વાહન, મકાનના હપ્તા ભરી સકે તેમ ના હોય આરબીઆઈ દરેક બ્રેંકને ગ્રાહકોને રાહત આપવા આદેશ કરેલ પરંતુ પ્રાઈવેટ ફાઈનાન્સ કંપની આરબીઆઈના દાયરામાં આવે છે કે નહિ જો ના આવતી હોય તો ગ્રાહકો સામે પઠાણી ઉદ્યરાણી દંડ વ્યાજ વસુલાતો હોય હાલ વેપાર ના હોય ત્યારે ગ્રાહક પૈસા કયાંથી ભરે જેથી તેની પાસે કા તો પૈસા ભરે અથવા આપદ્યાત કરે તે બે જ વિકલ્પ બચે છે જેથી આ અંગે ગ્રાહક સુરક્ષા મંડળ પ્રમુખે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે.

અવારનવાર લાઇટ ગુલ

 કોંગ્રેસ અગ્રણી રમેશભાઇ રબારીએ મોરબી પીજીવીસીએલ ના કાર્યપાલક ઈજનેરને પત્ર લખી જણાવ્યું છે કે ગરમીનો પારો વધી રહ્યો છે ત્યારે મોરબી ૧ અને ૨ વિસ્તારમાં અવારનવાર લાઈટો ગુલ થાય છે વોલ્ટેજ ડીમ હોવાના કિસ્સા વધી ગયા છે લાઈટ જવી અને વોલ્ટેજ ડીમ ફૂલથી હાલ કોરોનાના દર્દીઓ જે હોમ કોરોનટાઈન થયેલ છે તેને ભારે હાલાકી ભોગવવી પડે છે તે ઉપરાંત ઇલેકટ્રોનીકસ ઉપકરણો પણ ખરાબ થાય છે.

કોમર્શીયલ વિસ્તારમાં લાઈટ ગુલ થવાથી કોમ્પ્યુટર, ઝેરોક્ષ મશીન ને નુકશાન થાય છે જે અંગે ફરિયાદ કરવા વ્યકિત ફોન કરે તો  ફોનનું રીસીવર ઉપાડી જવાબ આપવાને બદલે બાજુમાં મૂકી દેતા હોય છે અને ફોન લાગતા જ નથી અને લોકોની ફરિયાદ સાંભળતા નથી જે સમસ્યાનો તાત્કાલિક ઉકેલ નહિ આવે તો મોરબીની પ્રજાને સાથે રાખીને કચેરીનો દ્યેરાવ કરશું તેવી ચીમકી અપાઇ છે.

(11:42 am IST)