સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 25th September 2020

ધોળકા લૂંટ પ્રકરણમાં ઢબુડી ગેંગના વધુ ૪ સાગ્રિત ઝડપાયા

વઢવાણ,તા. ૨૫: ધોળકા તાલુકાના મગીયા ખાતે રહેતાં અને જીઆઈડીસીમાં આવેલ શકિત પોલીવીવ ખાનગી કંપની તથા સીમેજ ખાતે આવેલ શકિત-૨ નામની કંપનીમાં લેબર સપ્લાય કરવાના કોન્ટ્રાકટર અને ફરિયાદી રામવૃક્ષ ઉર્ફે રામબ્રીજ રામઅવતાર કુશવાહા થોડા દિવસો પહેલા મજુરોને પગાર કરવા બેન્કમાંથી રૂ.૮.૨૫ લાખ ઉપાડી બેગમાં મુકી બાઈક લઈને કંપનીમાં મજુરોનો પગાર કરવા જઈ રહ્યાં હતાં. તે દરમ્યાન ધોળકા જીઆઈડીસી ખાતે આવેલ ખાનગી કંપનીના પાછળના ભાગે કારમાં આવી અજાણ્યા શખ્સોએ બાઈકને રોકી લાકડાના ધોકા વડે ફરિયાદીને મારમારી રોકડ રકમ તેમજ ત્રણ બ્લેન્ક ચેક ભરેલ બેગને લઈ નાસી છુટયાં હતાં.

જેના ભાગરૂપે જિલ્લા પોલીસવડા વિરેન્દ્રસિંહ યાદવ, ધોળકા એએસપી નિતેશ પાંડેયના માર્ગદર્શન હેઠળ અમદાવાદ ગ્રામ્ય એલસીબી પોલીસે અલગ-અલગ ટીમો બનાવી તપાસ હાથધરી દિન-દહાડે લુંટના ગુન્હાના ઢબુડી ગેંગના મુખ્યસુત્રધાર સહિત વધુ ચાર શખ્સો(૧) અજયસિંહ અજીતસિંહ ચાવડા ઉ.વ.૩૧ રહે.દરબારવાસ કલોલ (૨) લાલો ઉર્ફે હિતેન્દ્રસિંહ અજીતસિંહ ચાવડા ઉ.વ.૩૪ રહે.દરબારવાસ કલોલ (૩) સંજયસિંહ ઉર્ફે ગણપતસિંહ નાનુભા વાદ્યેલા ઉ.વ.૨૦ રહે.કારોલી કલોલ અને (૪) પાર્થ ઉર્ફે સાહિલ અશોકભાઈ તપોધન ઉ.વ.૨૦ રહે.શેરીસા કલોલવાળાને લુંટમાં ગયેલ નાણા પૈકી રૂ.૩.૮૯ લાખ તથા સોનાનો ચેઈન કિંમત રૂ.૧,૩૬,૦૦૦ તથા મોબાઈલ ફોન નંગ-૨ કિંમત રૂ.૧,૦૦૦ મળી કુલ રૂ.૫,૨૬,૦૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી પાડયાં હતાં.

જયારે આ ગેંગનો મુખ્ય સુત્રધાર અજયસિંહ ચાવડા અગાઉ વર્ષ ૨૦૧૮માં ગાંધીનગર જિલ્લાના અડાલજ પોલીસ સ્ટેશનના લુંટના ગુન્હામાં તથા વર્ષ ૨૦૧૭માં કલોલ તથા પેથાપુર પોલીસ સ્ટેશનના લુંટના ગુન્હામાં અને વર્ષ ૨૦૧૧માં માણસા તથા પેથાપુર પોલીસ સ્ટેશનના ઈંગ્લીશ દારૂના ગુન્હામાં ઝડપાયેલ હોવાનું બહાર આવ્યું હતું. આ સમગ્ર ઓપરેશન દરમ્યાન પીએસઆઈ આર.જી.ખાંટ, જે.એમ.પટેલ, આર.એસ.સેલાણા સહિતના સ્ટાફે સફળ કામગીરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે આ લુંટના બનાવમાં સામેલ ઢબુડી ગેંગના અન્ય ૫ સાગરીતોને અગાઉ પોલીસે મુદ્દામાલ સાથે ઝડપી પાડયાં હતાં ત્યારે વધુ ૪ આરોપીઓ ઝડપાતાં કુલ ઢબુડી ગેંગના ૯ આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

(12:53 pm IST)