સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 26th October 2020

ગીર સોમનાથ જિલ્લામાં ટેકાના ભાવે મગફળી ખરીદો

જિલ્લામાં મગફળીનું વાવેતર ૧,૦૩,૫૦૦ હેકટરમાં થયું : ૨૧ હજારથી વધુ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું

પ્રભાસ પાટણ,તા.૨૬: ગીર સોમનાથ જિલ્લામાં આજથી ૯૦ દિવસ સુધી ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળી ખરીદવામાં આવશે. પ્રતિ કવિન્ટલે રૂ.૫૨૭૫ અને પ્રતિ મણના રૂ.૧૦૫૫ ટેકાના ભાવેથી મગફળીની રાજયભરમાં ખરીદી કરવામાં આવનાર છે.

કાજલી માર્કેટીંગ યાર્ડખાતે ૨ ખરીદ સેન્ટર, તાલાળા માર્કેટીંગ યાર્ડ ખાતે ૧ ખરીદ સેન્ટર, સુત્રાપાડા તાલુકાના પ્રાંસલી માર્કેટીંગ યાર્ડ ખાતે ૨ ખરીદ સેન્ટર, કોડીનાર તાલુકાના બિલેશ્રર સુગર ફેકટરી ખાતે ૨ ખરીદ સેન્ટર, ઉના એ.પી.એમ.સી.સેન્ટર ખાતે ૧ ખરીદ સેન્ટર, અને ગીર ગઢડા તાલુકાના ૧ ખરીદ સેન્ટર સહિત જિલ્લામાં કુલ ૯ ખરીદ સેન્ટર ખાતેથી મગફળીની ખરીદી કરવામાં આવશે. દરેક મગફળી ખરીદી સેન્ટર પર વહીવટીતંત્ર દ્રારા વિડિયોગ્રાફી અને સીસીટીવી કેમેરાની વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવી છે.

 રજીસ્ટ્રેશન થયેલ ખેડૂતોને એસ.એમ.એસ. દ્રારા તારીખ અને સમયથી જાણ કર્યા બાદ તેઓએ નોંધણી સ્લીપ સાથે મગફળી ખરીદ સેન્ટર પર લાવવાની રહેશે. ગીર સોમનાથ જિલ્લામાં મગફળીનું વાવેતર ૧,૦૩,૫૦૦ હેકટરમાં વાવેતર થયું છે. જિલ્લામાં ૨૧ હજારથી વધુ ખેડૂતોએ ટેકાના ભાવે મગફળી વેચાણનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે.

ખેડૂત મિત્રોને કોઈ પ્રશ્ર્ન હોય તો જિલ્લાકક્ષાએ કાર્યરત કંટ્રોલરૂમ/હેલ્પલાઈન નંબર.૦૨૮૭૬-૨૮૫૦૬૩ પર સંપર્ક કરવા જિલ્લા પુરવઠા અધિકારીશ્રી ગીર સોમનાથની યાદીમાં જણાવાયું છે.

(11:28 am IST)