સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 26th October 2020

તુલસીદાસ રચિત માતાજીની શકિત સ્તુતિને સ્વરબધ્ધ કરતા ભાવનગરના ગાયક જયદેવ ગોસાઇ

ભાવનગર તા.૨૬ :  મહુવા તાલુકાના નાના એવા ગામ ખારીના વતની અને જેનો કંઠ બોલીવુડની ફિલ્મો બુલેટ રાજા, ગેંગ્સ ઓફ વાસેપુર, પી સે પ્યાર એફ સે ફરાર સહિતની મુવી સુધી છવાયો છે એવા જયદેવ ગોસાઇએ તુલસીદાસ દ્વારા રચાયેલ માતાજીની શકિત સ્તુતિ જગ જનનીને નવરાત્રીના પાવન પર્વ પર સ્વરબધ્ધ કરી તેનો વિડિયો આલ્બમ પ્રસિધ્ધ કર્યો છે. જેની ખુબ જ ટુંકાગાળામા રાજયના ખૂણેખૂણેથી પ્રસંશા થઇ રહી છે.અને યુટ્યુબ પર આ સ્તુતિને વધુમા વધુ વ્યુઅર મળી રહ્યા છે.

જયદેવ ગોસાઇએ જણાવ્યુ હતુ કે આ વિડિયો આલ્બમ આજના ધુમધડાકા સાથેના કે તિવ્ર સંગીતવાળા ચીલાચાલુ ગીત-સંગીત કરતા તદન અલગ છે. આ વિડિયો ગીતને એકદમ સરળ અને મનને શાંતિ મળે તેવુ ભકિતમય સંગીત આપી તૈયાર કરાયુ છે. હનુમાન ચાલીસાના રચયિતા તુલસીદાસે આ સ્તુતિ તૈયાર કરી છે. એ તેની વિશેષતા છે.

આ આલ્બમમા સંગીત સંગીતકાર કૃણાલ પરમાર, શ્રેય કોટેચા, કોરિયોગ્રાફી બાગેશ્રી ગૌસ્વામી, વિડિયોગ્રાફી ભગીરથ ગૌસ્વામી દ્વારા કરવામાં આવી છે.અને કોઇએ કોઇ જ પ્રકારનો ચાર્જ લીધેલ નથી. આમ આ વિડિયો આલ્બમ તદન તદન વિનામુલ્યે સાકાર થવા પામ્યું છે અને માત્ર બે જ કલાકના ટુંકાગાળામા સમગ્ર શકિત સ્તુતિ તૈયાર કરવામા આવી છે.

(11:35 am IST)