સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 26th October 2020

સાયલાના સુદામડામાં બેન્ક ઓફ બરોડાનું એટીએમ કાપી ૧૦.૨૯ લાખની રોકડની ચોરી ચુડા ચોકડીએ પણ એટીએમ તોડવાનો પ્રયાસ

અજાણ્યા શખ્સોએ ધોળા દિવસે સીસીટીવી કેમેરા પર સ્પ્રે હાઇવે ઉપર ના વિવિધ સ્થળો ના પોલીસ દ્વારા ફૂટજ લીધાઃ એટીએમ તોડનાર જાણભેદુ હોવાની આશંકાઃ ત્રણ શખ્સો હોવાનું બહાર આવ્યું

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા.૨૬: સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી રહી છે અને ગુન્હેગારોને પોલીસનો પણ ડર ન હોય તેમ લાગી રહ્યું છે ત્યારે જિલ્લાના અલગ-અલગ તાલુકાઓમાં બે એટીએમ મશીનો તોડી લુંટનો બનાવ બન્યો હતો જેમાં સાયલા તાલુકાના સુદામડા ગામે આવેલ બેન્ક ઓફ બરોડાના એટીએમમાંથી દિન-દહાડે અજાણ્યા શખ્સો દ્વારા રોકડ રકમની લુંટનો સનસનીખેજ બનાવ બનતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી જે અંગેની જાણ થતાં પોલીસ કાફલો દ્યટના સ્થળે આવી પહોંચ્યો હતો અને વધુ તપાસ હાથ ધરી હતી.

સુદામડા ગામે આવેલ બેન્ક ઓફ બરોડાના એટીએમ મશીનમાંથી દિન-દહાડે અજાણ્યા શખ્સો દ્વારા લુંટનો બનાવ બન્યો હતો જેમાં અજાણ્યા શખ્સો દ્વારા બેન્કના એટીએમમાં પ્રવેશ કરી સીસીટીવી કેમેરા ઉપર બ્લેક કલરનો સ્પ્રે મારી લુંટને અંજામ આપ્યો હોવાનું બહાર આવ્યું હતું. જયારે આ બનાવની જાણ થતાં લીંબડી ડીવાયએસપી સહિત સાયલા પોલીસ કાફલો દ્યટના સ્થળે આવી પહોંચ્યો હતો..

અજાણ્યા શખ્સો દ્વારા બેન્કના એટીએમ મશીનને કટરથી કાપી લુંટ ચલાવી હતી જેમાં એટીએમ મશીનમાં રહેતાં ૧૦,૨૯,૫૦૦ જેટલી રોકડ રકમની લુંટ ચલાવી નાસી છુટયાં હતાં તેમજ પ્રાથમિક તપાસમાં અજાણ્યા શખ્સો પોતાનું કોઈપણ અંગ ન દેખાય તેવાં વસ્ત્રો પહેરીને એટીએમમાં ધુસ્યા હોવાનું પણ જણાઈ આવ્યું હતું. આમ દિન-દહાડે સુદામડા ગામમાં એટીએમ તોડી લાખોની લુંટનો બનાવ બનતાં ચકચાર મચી જવા પામી હતી જયારે પોલીસે સીસીટીવીના આધારે અજાણ્યા શખ્સોને ઝડપી પાડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા હતાં અને નાકાબંધી કરી હતી.

જયારે આ પ્રકારનો બનાવ ચુડામાં પણ બન્યો હતો જેમાં અજાણ્યા શખ્સો દ્વારા ચુડાના ચોકડી ખાતે આવેલ પંજાબ નેશનલ બેન્કના એટીએમ તોડવાનો પણ નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેના સીસીટીવી કુટેજમાં બે શખ્સો ઝડપાયા હતાં જેના હાથમાં સ્પ્રે અને સંપૂર્ણ શરીર ઢાંકેલું જણાઈ આવ્યું હતું.

જિલ્લામાં એક જ દિવસમાં અલગ-અલગ તાલુકાઓમાં બે એટીએમ મશીનોને તોડવાનો બનાવ દિન-દહાડે બનતાં અનેક સવાલો ઉભા થયા હતાં.

(12:56 pm IST)