સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 26th October 2020

મોરબી માળીયામાં ભાજપના ઉમેદવાર બ્રિજેશ મેરજા સામે ભારે વિરોધ

ભાજપના જ પૂર્વ ધારાસભ્યોનો હાથ હોવાની ચર્ચા : બ્રિજેશ મેરજા કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા છે અને ફરીવાર આ બેઠક ઉપરથી ચૂંટણી લડતા પક્ષમાં વિરોધ

મોરબી,તા.૨૬ : મોરબી માળીયામાં પેટા ચુટણીનાં પડઘમ વાગી રહ્યાં છે. ત્યારે આગામી ૩ નવેમ્બર મતદાન છે. જેને હવે પાંચ દિવસ જ બાકી રહ્યા છે ત્યારે ભાજપ કોંગ્રેસ દ્વારા પ્રચારનો ગ્રામ્ય અને શહેર વિસ્તારમાં ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે .પરંતુ આ પ્રચારમાં ભાજપના પૂર્વ ધારાસભ્ય કાંતિ અમૃતિયા જ અંદરખાને સાથ આપતા ન હોવાની વાત લોકોમાં ચર્ચાનું સ્થાન બની છે. કેમ કે, મોરબી ભાજપનો ગઢ રહ્યો છે. વર્ષ ૧૯૯૦ બાદ ૨૦૧૭માં પ્રથમ વખત કોંગ્રેસના ઘરે પારણું બંધાયું હતું. જેમાં બ્રીજેશ મેરજાએ રાજીનામું આપ્યા બાદ પેટા ચુંટણીમાં ભાજપમાં જોડાઈને ફરી ઉમેદવાર તરીકે બ્રિજેશ મેરજાની પસંદગી થવા પામી હતી. જેના લીધે પૂર્વ ધારાસભ્ય કાંતિ અમૃતિયામાં નારાજગી જોવા મળી હતી અનેક વિરોધ વચ્ચે ભાજપ દ્વારા ચૂંટણી પ્રચાર શરૂ કર્યો. પરંત, ગઈકાલે રોટરી નગર ખાતે બિજેશ મેરજાએ લોકોના ફોન ન ઉપાડતા તેમજ ખેડુતોને કેનાલમા પાણી નથી મળતુ  આવા આક્ષેપો સાથે વીડિયો વાયરલ થયો છે. જોકે, આ વિરોધ કોંગ્રેસ દ્વારા નહિ પરંતુ ભાજપના પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા દ્વારા જ વિરોધ કરાવવામાં આવી રહ્યો હોવાની ચર્ચાએ લોકોમાં જોર પડકયું છે. ત્યારે ઉલ્લેખનીય છે કે, પેટા ચૂંટણીમાં ટિકિટ ન મળતા કાંતિલાલ અમૃતિયા ભાજપથી નારાજ રહ્યા હતા.

ત્યારે હાલ ભાજપમાં ઘર કા ભેદી લંકા ઢાએ જેવો ઘાટ મોરબી ભાજપમાં જોવા મળી રહ્યો છે અને ઘરના વિરોધમાં હોય ત્યારે પારકાની ક્યાં જરૂર છે આ ઉક્તિ હાલ ભાજપમાં આંતરિક વિખવાદ થકી જોવા મળી રહ્યી છે. ત્યારે આજે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલની મોરબીમાં બેઠક છે અને આ બેઠક પૂર્વે જ કાંતિલાલના સમર્થકો પ્રચાર દરમ્યાન બ્રિજેશ મેરજાની ઝાટકણી કાઢતા વીડિયો વાયરલ થતા રાજકીય સમીકરણોમાં ગરમાવો આવી ગયો છે. તો બીજી બાજુ, કાંતિ અમૃતિયા દ્વારા કરવામાં આવી રહેલી હરકત કેટલી હદે યોગ્ય ગણાય એ પણ હાલ રાજકીય આગેવાનોમાં ચર્ચાનો વિષય બન્યો છે. જોકે, આ ફરિયાદ હાઈ કમાન્ડ સુધી પહોંચી હોવાનું પણ અંગત સુત્રોમાંથી જાણવા મળ્યું છે. ત્યારે કાંતિ અમૃતિયા માટે આગામી સમય લોઢાના ચણા ચાવવા જેવો આવે તો એ વાતમાં કોઈ શંકાને સ્થાન નથી. હાલ ભાજપ આ તમામ વાતોથી પર રહી પોતાના પ્રચારમાં જોરશોરથી લાગી છે.

(8:34 pm IST)