સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 27th October 2020

સસ્તા અનાજનો જથ્થો બરોબર વહેચવાના રાજ્ય વ્યાપી કૌભાંડમાં

જેતપુરના સસ્તા અનાજના ૩ પરવાનેદારોને અમદાવાદ સાયબર સેલ ઉપાડી ગઇ

શહેરના બીજા અનેક પરવાનેદારો સંડોવાયા હોવાની શકયતા

(કેતન ઓઝા દ્વારા) જેતપુર,તા.૨૭ : સરકાર દ્વારા ગરીબ માણસોને ભુખ્યા રહેવુ ન પડે તે હેતુની રાજ્ય ભરના ગરીબ લોકોને સસ્તાભાવે અનાજ દીનદયાળ ઉપાધ્યાય (સસ્તા-અનાજની દુકાન) ખાતે થી વિતરણ કરવાની વ્યવસ્થા કરવામાં આવેલ છે. પરંતુ અમુક ભેજાબાજો ગરીબ માણસોના ભાગનું અનાજ બારોબાર વહેંચવાનું કૌભાંડ રચી ગરીબોની હાય લ્યે છે. બોગસ રેશનકાર્ડ દ્વારા સસ્તા અનાજનો જથ્થો બારોબાર વહેંચી નાખતા હોવાની ફરીયાદો અવાર નવાર ઉઠતી રહી છે.

 

અંદાજીત એકાદ વર્ષ પૂર્વે બોગસ ફીંગર પ્રીન્ટ બતાવી સસ્તા અનાજનો જથ્થો બારોબાર વહેંચાતો હોવાની ફરીયાદના આધારે અમદાવાદ સાયબર સેલે આ કૌંભાડના મુખ્ય ભેજાબાજ ભરત ચૌધરી અને તેનો મળતીયા ધવલ પટેલ અને દુષ્યંત પરમાર ત્રણેય શખ્સોની ધરપકડ કરી પુછપરછ કરતા આ ભેજાબાજોે લોકોના ડેટા મેળવવા જય ભારત તથા પ્રધાન મંત્રી જન આરોગ્ય યોજના નામની બે વેબસાઇટ અને મોબાઇલ એપ્લીકેશન બનાવેલ.

જેના માધ્યમથી રાજ્યભરના ૨૦ હજાર જેટલા લોકોનો ડેટા એકઠો કરી રાજ્ય વ્યાપી સસ્તા અનાજનું કૌભાંડ રચ્યાની માહીતી મળેલ. જે આધારે તેમા સંડોવાયેલ જુદા-જુદા પરવાનેદારોને સાયબર સેલે ઉપાડી લીધેલ.

લોકડાઉનના કારણે તપાસ રોકાય  ગયેલ જે ફરી સક્રીય થતા જેતપુરમાં પણ આરોપીઓ સાથે મળી ઘણા પરવાનેદારોએ કૌભાંડ આચર્યુ હોય  ગઇકાલે અમદાવાદ સાયબર સેલે સ્થાનિક પોલીસના સહકારથી ૩ પરવાનેદારોને અમદાવાદ ખાતે ઉપાડી જતાં અન્ય પરવાનેદારોમાં ફડફડાટ વ્યાપી ગયો છે.

આ કૌભાંડમાં હજુ બીજા અનેક પરવાનેદારો સંડોવાયેલ હોવાની શકયતાઓ ચર્ચાઇ રહી છે. 

(1:15 pm IST)