સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 29th October 2020

લે બોલો : મોરબીના ભાજપ ઉમેદવાર બ્રિજેશ મેરજાએ તા, 16 થી 23 ઓક્ટોબર સુધી કોઈ ખર્ચ જ નથી કર્યો

મેરજાએ રજૂ કરેલા હિસાબમાં આઠ દિવસ સુધી કોઇ ખર્ચ કર્યો નહીં હોવાનું જણાવ્યું

અમદાવાદ : આગામી 3 તારીખે રાજ્યની આઠ બેઠકોની પેટાચૂંટણી યોજાશે, દરેક બેઠકના ઉમેદવારોએ દરરોજના ખર્ચનો હિસાબ અલગ ચોપડામાં રાખવાનો હોય છે.ચુંટણી પંચ સમક્ષ સમયાંતરે રજૂ કરવાનો હોય છે. તાજેતરમાં જ બે ઉમેદવારોને હિસાબો રજૂ કરવામાં નિષ્ફળ જવા બદલ પંચે નોટીસ ફટકારી છે.ત્યારે મોરબી ભાજપના ઉમેદવાર બ્રિજેશકુમાર મેરજાએ રજૂ કરેલા હિસાબમાં તા 16મી ઓક્ટોબરથી 23 ઓક્ટોબર સુધી એટલે કે આઠ દિવસ સુધી કોઇ ખર્ચ કર્યો નહીં હોવાનું જણાવ્યું છે.

લોકસભા અને રાજય વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારો તેઓનો ચુંટણી પ્રચારમાં ખૂબ જ વધારે રકમનો ખર્ચ કરી રહ્યાં છે. જે સમાન તકોના હિતને નુકસાન પહોંચાડે છે અને તેઓ અવારનવાર તેમના રોજબરોજના ચૂંટણી ખર્ચના હિસાબોમાં સાચો ખર્ચ દર્શાવતાં ન હોવાથી ચૂંટણી પંચે ચુંટણી પ્રક્રિયાની શુધ્ધતા જાળવી રાખવા માટે કેટલાંક હુક્મો કર્યા છે. તે મુજબ કોઇપણ અધિકારીને ચૂંટણી પ્રક્રિયા દરમિયાન એવી માહીતી મળે કે કોઇ ઉમેદવારે અમૂક ખર્ચ કર્યું છે અધિકુત કર્યું છે અને તેનો અમૂક ભાગ અથવા સમગ્ર ખર્ચ લોકપ્રતિનિધિત્વ અધિનિયમ 1951ની કલમ 77 ( 1) હેઠળ તેણે જાળવવાના ચૂંટણી ખર્ચના તેના રોજરોજના હિસાબમાં દર્શાવ્યું નથી.

અધિકુત અધિકારી કે ખર્ચ નિરીક્ષક પાસે નિયત તારીખે તેનું નિરીક્ષણ કરવા માટે આ હિસાબો રજૂ કર્યા નથી. તો ચૂંટણી અધિકારી હિસાબોના નિરીક્ષણનો અહેવાલ મળ્યાના 24 કલાકમાં નોટીસ મોકલશે. ઉમેદવારને નોટીસ મળ્યાના 48 કલાકની અંદર તેના ધ્યાન પર લાવવામાં આવેલી ભૂલ અથવા ત્રુટિ અંગેના કારણો દર્શાવીને નોટીસનો જવાબ મોકલશે. જો ઉમેદવાર દ્રારા ખર્ચની હકીકતનો સ્વીકાર કરવામાં આવે તો તે તેના ચુંટણી ખર્ચમાં ઉમેરી દેવામાં આવશે.

જો 48 કલાકમાં જવાબ રજૂ ના કરે તો ભારતીય દંડ સંહિતાની કલમ 171 ( 1 ) હેઠળ પ્રથમ માહિતી અહેવાલ ( એફ.આઇ.આર. ) ફાઇલ કરવાની રહેશે તેવી જોગવાઇ છે. ત્યાં સુધી કે ચુંટણી પ્રચાર માટે ઉમેદવારે વાહનોનો ઉપયોગ વગેરે માટે આપેલી પરવાનગી પણ પાછી ખેંચી લેવામાં આવશે વગેરે જોગવાઇ પણ ચૂંટણી પંચના નિયમોમાં હોવાનું સામાજિક કાર્યકર સંતોષસીંહ રાઠોડે જણાવ્યું છે.

(10:12 pm IST)