સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 30th September 2020

ઉપલેટામાં ભૂકંપના આંચકા બાદ ઉકાઇ અને ભચાઉમાં રાત્રિના ધરા ધ્રુજી

રાજકોટ તા. ૩૦ : ગઈકાલે સાંજે ઉપલેટામાં ભૂકંપનો ૪.૧ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનૂભવાયો બાદ મોડીરાત્રીના ઉકાઈ અને ભચાઉમાં હળવા આંચકા અનુભવાયા હતા.

ગાંધીનગર સ્થિત સિસ્મોગ્રાફી સેન્ટરના અહેવાલમાં જણાવાયું છે કે કાલે મોડી રાત્રીના ૧.૦૪ વાગ્યે ગુજરાતના ઉકાઈથી ૪૦ કિલોમીટર દૂર પૂર્વ દિશા તરફ ૧.૮ ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.

ત્યારબાદ રાત્રિના ૧.૧૩ વાગ્યે કચ્છના ભચાઉમાં ૧.૪ ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો જેનું કેન્દ્ર બિંદુ ભચાઉ થી ૨૨ કિલોમીટર દૂર દક્ષિણ દિશા તરફ હતું.

ધોરાજીમાં થોડીવાર માટે  ભય ફેલાઇ ગયો

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી : ગઈકાલે બપોરે ૩.૪૫ કલાકે અચાનક ભૂકંપનો આંચકો આવતાં થોડીવાર માટે લોકોમાં ભય ફેલાઈ ગયો હતો મોટાભાગે એપાર્ટમેન્ટમાંથી લોકો બહાર આવી ગયા હતા.

આ સમયે ભૂકંપનો આંચકો અનુભવ કરતા સિનિયર સીટીઝન ભીખાભાઈ રાઠોડે જણાવેલ કે હું બપોરે સેટી ઉપર આરામ કરતો હતો ત્યારે અચાનક હલવા લાગતા હું અચાનક જ ઉઠી ગયો હતો અને જોયું તો કંઈ હતું નહીં પણ ભૂકંપનો આંચકો આવ્યો હોય એવો મને અનુભવ થયો હતો અને થોડીવાર માટે મને ડર લાગી ગયો હતો.

આ સમયે ધોરાજીના વિશાલ એપાર્ટમેન્ટમાં રહેતા સ્મિતાબેન રાઠોડ તેમજ કુંજનબેન સેલાણી નિયતી તેમજ અન્ય મહિલાઓ પણ એપાર્ટમેન્ટની બહાર નીકળી ગઇ હતી અને તેઓએ જણાવેલ કે અમારા ઘરમાં અમે બેઠા હતા ત્યારે અચાનક જ ભૂકંપનો આંચકો આવતાં રસોડાની અંદર વાસણોનો ખખડી ઉઠયા હતા અને પંખો જોયો તો પણ હલવા લાગેલો હતો જેના કારણે ભૂકંપનો આંચકો હોય એવું અમે અનુભવ કર્યું હતું પરંતુ આખા એપાર્ટમેન્ટમાંથી તમામ મહિલાઓ બહાર નીકળી જતા થોડીવાર માટે તો અમોને ભય ફેલાઇ ગયો હતો પરંતુ કોઈ જાતની મુશ્કેલી જોવા મળી ન હતી.

આ સાથે ધોરાજી શહેર અને તાલુકાના વિસ્તારોમાં પણ મોટાભાગે બધા લોકોને ભૂકંપના આંચકાનો અહેસાસ થયો હતો પરંતુ કોઇ પ્રકારની જાનહાનિ જોવા મળી ન હતી.

જામકંડોરણામાં આંચકો અનુભવાયો

જામકંડોરણામાં કાલે મંગળવારે બપોરના ૩.૫૦ મીનીટે ભૂકંપનો હળવો આંચકો આવ્યો હતો. આ હળવા આંચકો શાંત જગ્યામાં બેઠેલ અમુક લોકો એ જ અનુભવ્યો હતો.

(11:13 am IST)