Gujarati News

Gujarati News

News of Saturday, 6th March 2021

અશ્વિન અને અક્ષર પટેલનું ધમાકેદાર પ્રદર્શન : ચોથી ટેસ્ટમાં ટીમ ઇન્ડીયાનો 1 ઇનિંગ 25 રનથી ભવ્ય વિજય : 3-1થી સિરીઝ જીતી

ભારતની સીરિઝ જીત સાથે ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પણ એન્ટ્રી: સીરિઝમાં અશ્વિને 32 વિકેટ અને અક્ષરે 27 વિકેટ લીધી.

ભારતીય ટીમે ધમાકેદાર પ્રદર્શન કરીને ચોથી ટેસ્ટમાં ભવ્ય જીત મેળવી લીધી છે. ચોથી ટેસ્ટના ત્રીજા જ દિવસે ભારતે આ જીત મેળવી લીધી હતી અને સીરિઝ પર 3-1થી કબજો કરી લીધો હતો. ઇંગ્લેન્ડે પહેલી ઈનિંગમાં 205 રન ફટકાર્યા હતા. જેમાં બેન સ્ટોક્સના 55 રન, ડેન લોરેન્સના 46 રનના સમાવેશ થતો હતો. પહેલી ઇનિંગમાં અક્ષર પટેલે ફરી એકવાર ધમાલ મચાવી દીધી હતી અને 4 વિકેટ્સ લીધી હતી અને અશ્વિને પણ 3 વિકેટ લીધી હતી. સિરાજે 2 વિકેટ અને 1 વિકેટ વોશિંગટન સુંદરે લીધી હતી.

પહેલી ઇનિંગમાં રમવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત સારી નહોતી રહી, શુભમન ગીલ 0 રન અને ચેતેશ્વર પૂજારા 17 રન આઉટ થઇ ગયા હતા અને કોહલી પણ 0 રને આઉટ થઇ ગયો હતો. પણ રોહિત શર્માએ ફરી એકવાર બાજી સંભાળી હતી, પરંતુ તે પણ 49 રને આઉટ થઇ ગયો હતો. ત્યાર બાદ રિષભ પંતે ધમાકેદાર બેટિંગ કરી હતી અને તેણે 118 બોલમાં13 ફોર અને 2 સિક્સની મદદથી 101 રન ફટકારી દીધા હતા. રિષભ બાદ વોશિંગટન સુંદરે બાજી સંભાળી હતી અને તેણે પણ અણનમ 96 રન ફટકારી દીધા હતા. ઇંગ્લેન્ડ તરફથી બેન સ્ટોક્સે 4 વિકેટ, જેમ્સ એન્ડરસને 3 વિકેટ અને જેક લીચે 2 વિકેટ્સ લીધી હતી.

ત્યારબાદ ઇંગ્લેન્ડની ટીમ બેટિંગ કરવા ઉતરી હતી, પરંતુ ઇંગ્લેન્ડની ટીમની 4 વિકેટ્સ 30 રનમાં પડી ગઈ હતી અને પછી એક પછી એક વિકેટ પડવા લાગી હતી અને આખી ઇંગ્લેન્ડની ટીમ 135 રનમાં ઓલઆઉટ થઇ ગઈ હતી. બીજી ઇનિંગમાં ફરી એકવાર રવિચંદ્રન અશ્વિન અને અક્ષર પટેલે ધમાકેદાર પ્રદર્શન કરીને 5-5 વિકેટ્સ લીધી હતી અને ભારતે આ મેચ એક ઇનિંગ અને 25 રનથી જીતી લીધી હતી.

આ મેચની જીતના હીરોની વાત કરીએ તો 101 રન ફટકારનાર રિષભ પંત, 96 રન ફટકારનાર વોશિંગટન સુંદર, 9 વિકેટ લેનાર અક્ષર પટેલ અને 8 વિકેટ લેનારા અશ્વિનને ગણી શકાય અને હા રોહિત શર્માના 49 રનના યોગદાનને પણ ભૂલી શકાય નહીં. ભારતે સીરિઝ જીત સાથે ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પણ એન્ટ્રી કરી લીધી છે.આ સીરિઝમાં અશ્વિને 32 વિકેટ અને અક્ષરે 27 વિકેટ લીધી હતી.

(9:58 pm IST)