Gujarati News

Gujarati News

News of Monday, 9th November 2020

ફાઈનલ સુધીની સફરમાં ઘણા ઉતાર- ચડાવ આવ્યા પણ અમારી ટીમ સંગઠીત બનીને રહીઃ ઐયર

પહેલી વખત ફાઈનલમાં પહોંચ્યા તેનો આનંદ છે, મુંબઈ શકિતશાળી ટીમ છે

અબુ ધાબીઃ દિલ્હી કેપિટલ્સને આખરે પહેલી જ વાર ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) ક્રિકેટ સ્પર્ધાની ફાઈનલમાં પહોંચાડવામાં કેપ્ટન શ્રેયસ ઐયરને સફળતા મળી છે. ગઈ કાલે અહીં આઈપીએલ-૧૩દ્ગક કવાલિફાયર-૨ મેચમાં દિલ્હી ટીમે ડેવિડ વોર્નરના નેતૃત્ત્વવાળી સનરાઈઝર્સ હૈદરાબાદ ટીમને ૧૭-રનથી પરાજય આપ્યો હતો.

દિલ્હી કેપિટલ્સે ૨૦ ઓવરમાં ૩ વિકેટે ૧૮૯ રન કર્યા હતા. જેમાં શિખર ધવને ૭૮, હેટમેયરે અણનમ ૪૨, સ્ટોઈનીસે ૩૮ રનનું યોગદાન આપ્યું હતું.

તેના જવાબમાં, સનરાઈઝર્સ હૈદરાબાદ ટીમ ૨૦ ઓવરમાં ૮ વિકેટે ૧૭૨ રન જ કરી શકી હતી. કેન વિલિયમ્સનનો ૬૭- રનનો લડાયક સામનો ફોગટ ગયો હતો. દિલ્હીના ફાસ્ટ બોલર કેગીસો રબાડાએ ૨૯ રનમાં ૪ વિકેટ લીધી હતી, પણ સ્ટોઈનીસ બોલિંગમાં પણ ઝળકયો હતો અને ૨૬ રનમાં ૩ વિકેટ લઈને મેન ઓફ ધ મેચ બન્યો હતો.

હવે ૧૦ નવેમ્બરે દુબઈમાં રમાનાર આઈપીએલ-૧૩ ફાઈનલ મેચમાં દિલ્હી કેપિટલ્સનો મુકાબલો ગયા વર્ષના ચેમ્પિયન્સ મુંબઈ ઈન્ડિયન્સ સામે થશે. આ જ ટીમ સામે કવાલિફાયર-૧ મેચમાં દિલ્હીનો પરાજય થયો હતો. બંને ટીમ ફરી આમનેસામને આવી છે.

ગઈ કાલની મેચ બાદ દિલ્હી કેપિટલ્સના કેપ્ટન શ્રેયસ ઐયરે કહ્યું કે, ટીમ પહેલી વાર આઈપીએલ ફાઈનલમાં પહોંચી છે એનાથી ખૂબ જ આનંદની લાગણીનો અનુભવ થાય છે.

ફાઈનલ સુધીની અમારી સફર રોલર-કોસ્ટર જેવી રહી. ઘણા ઉતાર-ચડાવ આવ્યા, પણ અમારી ટીમ એક પરિવારની જેમ સંગઠિત બનીને રહી. ફાઈનલ મેચ પણ આવી જ રોમાંચક હશે એવી આશા રાખું છું. મુંબઈ ઈન્ડિયન્સ સૌથી બળવાન ટીમ છે. અમે એની સામે મુકતપણે રમીશું.

હૈદરાબાદ ટીમના કેપ્ટન ડેવિડ વોર્નરે કહ્યું હતું કે, દિલ્હી સામેની મેચમાં અમારી ફિલ્ડિંગ બહુ નબળી હતી. આવી ફિલ્ડિંગ સાથે ટુર્નામેન્ટ જીતી શકાય નહીં.

(12:55 pm IST)