Gujarati News

Gujarati News

News of Thursday, 12th November 2020

ઓસ્ટ્રેલિયા કોહલી વગરની ભારતને હરાવી દેશે : ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઈકલ વોન

ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઈકલ વોનએ અભિપ્રાય વ્યક્ત કર્યો : કેપ્ટન કોહલી ૧૭મી ડિસેમ્બરની ટેસ્ટ બાદ સિરિઝની બાકીની ત્રણ મેચમાં નહીં રમી શકે, સ્વદેશ પરત ફરશે

નવી દિલ્હી, તા. ૧૨ : ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઈકલ વોનનું માનવું છે કે ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીની ગેરહાજરીમાં પણ ઓસ્ટ્રેલિયન ટીમ પોતાની આગામી ટેસ્ટ સીરીઝની અંતિમ ત્રણ મેચમાં ભારતને સરળતાથી હરાવી દેશે. કોહલી જાન્યુઆરીમાં પિતા બનવા જઈ રહ્યો છે અને તે દરમિયાન ૧૭ ડિસેમ્બરથી એડિલેડમાં યોજાનારી ડે-નાઈટ ટેસ્ટ મેચ બાદ સીરીઝની બાકીની ત્રણ મેચમાં નહીં રમી શકે અને સ્વદેશ પરત ફરી જશે.

બીસીસીઆઈએ સોમવારના રોજ જ કોહલીના પેટરનિટી લીવને મંજૂરી આપી દીધી હતી. કોહલીના સ્થાન પર રોહિત શર્માને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે પરંતુ ટીમની કમાન અજિંક્યે રહાણેના હાથમાં સોંપાશે કારણ કે તે અત્યારે ટીમનો વાઈસ કેપ્ટન તે જ છે.

વોને એક ટ્વીટ કરીને કહ્યું કે, ઓસ્ટ્રેલિયામાં ત્રણ ટેસ્ટ મેચ માટે વિરાટ કોહલી નહીં રમી શકે. પોતાના પહેલા બાળકના જન્મ માટે તેણે યોગ્ય અને સારો નિર્ણય લીધો છે. પરંતુ આ પરિસ્થિતિમાં ઓસ્ટ્રેલિયન ટીમ સરળતાથી ભારત સામેની આ સીરીઝ જીતી જશે. આ બસ મારું માનવું છે.

એડિલેડમાં યોજાનારી પહેલી ડે નાઈટ ટેસ્ટ મેચ બાદ બંને ટીમ ૨૬ ડિસેમ્બરના રોજ મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (એમસીજી)માં બીજી ટેસ્ટ, ૭ જાન્યુઆરી ૨૦૨૧માં સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ (એસજીસી)માં ત્રીજી ટેસ્ટ, ૧૫ જાન્યુઆરી ૨૦૨૧માં ગૉબામાં ચોથી અને અંતિમ ટેસ્ટ મેચ રમશે.

(9:17 pm IST)