Gujarati News

Gujarati News

News of Tuesday, 13th October 2020

આઇપીએલ મેચમાં રોયલ ચેલેન્‍જર્સ બેંગ્‍લોરે કોલકત્તા નાઇટ રાઇડર્સને પરાજય આપતા પોઇન્‍ટ ટેબલમાં ત્રીજા સ્‍થાને પહોંચી ગઇ

શારજાહઃ પહેલા એબી ડિવિલિયર્સ (73*)ની દમદાર બેટિંગ અને ત્યારબાદ બોલરોના મજબૂત પ્રદર્શનની મદદથી રોયલ ચેલેન્જર્સ બેંગલોરએ અહીં રમાયેલી ઈન્ડિયન પ્રીમિયર લીગની 28મી મેચમાં કોલકત્તા નાઇટ રાઇડર્સને 82 રને પરાજય આપીને મોટો વિજય મેળવ્યો છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા બેંગલોરે 20 ઓવરમાં 2 વિકેટે 194 રન બનાવ્યા હતા. જેના જવાબમાં કોલકત્તાની ટીમ 20 ઓવરમાં 9 વિકેટે 112 રન બનાવી શકી હતી. આ સીઝનમાં રનના અંતરથી આરસીબીનો આ સૌથી મોટો વિજય છે.

બેંગલોર પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને

આ જીત સાથે આરસીબીની ટીમ પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને પહોંચી ગઈ છે. બેંગલોરે સાત મેચ રમી છે, જેમાં પાંચમાં જીત મેળવી છે. તેના 10 પોઈન્ટ છે. તો કોલકત્તાનો આ સાતમી મેચમાં ત્રીજો પરાજય છે. તે 8 પોઈન્ટ સાથે ટેબલમાં ચોથા સ્થાને છે.

મોટા ટાર્ગેટ સામે કોલકત્તાનો ધબડકો

આરસીબીએ આપેલા 195 રનના લક્ષ્યની શરૂઆત આજે કોલકત્તાની નવી ઓપનિંગ જોડીએ કરી હતી. શુભમન ગિલની સાથે ટોમ બેન્ટન ઈનિંગની શરૂઆત કરવા આવ્યો હતો. પરંતુ કોલકત્તાનો આ પ્રયોગ નિષ્ફળ રહ્યો અને બેન્ટન (8) રન બનાવી નવદીપ સૈનીની ઓવરમાં બોલ્ડ થયો હતો. કોલકત્તાએ 23 રન પર બીજી વિકેટ ગુમાવી હતી. ત્યારબાદ 51 રનના સ્કોર પર ટીમને બીજો ઝટકો નીતીશ રાણા (9)ના રૂપમાં લાગ્યો હતો. રાણાને વોશિંગટન સુંદરે પેવેલિયન પરત મોકલી આપ્યો હતો.

ટીમે 55 રનના સ્કોર પર શુભમન ગિલ (34)ના રૂપમાં ત્રીજી વિકેટ ગુમાવી હતી. ગિલ રનઆઉટ થયો હતો. શુભમને 25 બોલમાં 3 ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો હતો. દિનેશ કાર્તિક એક રન બનાવી યુજવેન્દ્ર ચહલનો શિકાર બન્યો હતો. તો ઈયોન મોર્ગન (8)ને વોશિંગટન સુંદરે આઉટ કરીને કેકેઆરને પાંચમો ઝટકો આપ્યો હતો.

આંદ્રે રસેલ આ સીઝનમાં બેટથી હજુ સુધી ખાસ પ્રદર્શન કરી શક્યો નથી. રસેલ (16)ને ઉસુરૂ ઉડાનાએ આઉટ કરીને કોલકત્તાની જીતની આશા સમાપ્ત કરી દીધી હતી. ત્યારબાદ ક્રિસ મોરિસે પેટ કમિન્સ (1)ને આઉટ કરીને બેંગલોરને સાતમી સફળતા અપાવી હતી. રાહુલ ત્રિપાઠી (16)ને મોહમ્મદ સિરાજે ક્રિસ મોરિસના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. નાગરકોટી (4)ને ક્રિસ મોરિસે બોલ્ડ કર્યો હતો.

બેંગલોરના બોલરોનું પ્રદર્શન

બેંગલોર તરફથી બંન્ને સ્પિનરોએ ધમાકેદાર પ્રદર્શન કર્યું હતું. વોશિંગટન સુંદરે 4 ઓવરમાં 20 રન આપીને બે વિકેટ ઝડપી હતી. તો યુજવેન્દ્ર ચહલે 4 ઓવરમાં માત્ર 1 રન આપીને એક સફળતા મેળવી હતી. આ સિવાય ક્રિસ મોરિસે 4 ઓવરમાં 17 રન આપીને બે વિકેટ ઝડપી હતી. તો ઉસુરુ ઉડાના, મોહમ્મદ સિરાજ અને નવદીપ સૈનીને એક-એક સફળતા મળી હતી.

આરસીબીને ઓપનરોએ અપાવી મજબૂત શરૂઆત

ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી રોયલ ચેલેન્જર્સ બેંગલોરને બંન્ને ઓપનરો આરોન ફિન્ચ અને દેવદત્ત પડીક્કલે દમદાર શરૂઆત અપાવી હતી. બંન્નેએ પાવરપ્લેમાં 47 રન જોડ્યા હતા. બેંગલોરને પ્રથમ ઝટકો 67 રનના સ્કોર પર 8મી ઓવરમાં લાગ્યો હતો. દેવદત્ત પડીક્કલ (32)ને આંદ્રે રસેલે બોલ્ડ કર્યો હતો. પડીક્કલે 23 બોલમાં 4 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો હતો.

પડીક્કલ આઉટ થયા બાદ વિરાટ કોહલી ક્રીઝ પર આવ્યો હતો. ટીમનો સ્કોર 94 રન હતો ત્યારે આરસીબીએ બીજી વિકેટ ગુમાવી હતી. આરોન ફિન્ચ પોતાની અડધી સદી ચુકી ગયો હતો. ફિન્સ (47)ને પ્રસિદ્ધ કૃષ્ણાએ બોલ્ડ કર્યો હતો. ફિન્ચે 37 બોલમાં 4 ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો હતો. કેપ્ટન વિરાટ કોહલી 28 બોલમાં 1 ચોગ્ગા સાથે 33 રન બનાવી અણનમ રહ્યો હતો.

શારજાહમાં એબી ડિવિલિયર્સનું તોફાન

આરસીબીની ટીમનો સ્કોર 15 ઓવરમાં માત્ર 111 રન હતો. આ સમયે વિરાટ કોહલી 20 અને ડિવિલિયર્સ 8 રન બનાવી રમી રહ્યા હતા. ત્યારબાદ એબીએ ચોગ્ગા-છગ્ગાનો વરસાદ શરૂ કર્યો હતો. છેલ્લી પાંચ ઓવરમાં બંન્નેએ મળીને 83 રન ફટકાર્યા હતા. તો માત્ર 47 બોલમાં 100 રનની ભાગીદારી કરી ટીમનો સ્કોર 200ની નજીક પહોંચાડી દીધો હતો. એબી ડિવિલિયર્સે માત્ર 33 બોલમાં 6 છગ્ગા અને 5 ચોગ્ગા સાથે 73 રન ફટકાર્યા હતા. એબીએ 23 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. આ સીઝનમાં તેની ત્રીજી અડધી સદી છે.

કોલકત્તા તરફથી આંદ્રે રસેલ અને પ્રસિદ્ધ કૃષ્ણાએ એક-એક વિકેટ ઝડપી હતી.

(4:40 pm IST)