Gujarati News

Gujarati News

News of Sunday, 18th October 2020

શિખર ધવનની સદી, અક્ષરના ધમાકા સામે ધોનીની સેના પરાસ્ત થઈ

ચેન્નઈ સુપર કિંગ્સ સામે દિલ્હીનો પાંચ વિકેટે વિજય : ખરાબ શરૂઆત બાદ ધવનની સદીની મદદથી દિલ્હીએ ૧૯.૫ ઓવરમાં ૫ વિકેટે ૧૮૫ રન નોંધાવી મેચ જીતી

દુબઈ,તા.૧૮ : શિખર ધવનની ધમાકેદાર સદી તથા અંતિમ ઓવર્સમાં અક્ષર પટેલે ફટકારેલી ત્રણ સિક્સરની મદદથી દિલ્હી કેપિટલ્સે શનિવારે ચેન્નઈ સુપર કિંગ્સ સામે રમાયેલી મેચમાં પાંચ વિકેટે ધમાકેદાર વિજય નોંધાવ્યો હતો. આઈપીએલ ટી૨૦ ક્રિકેટ ટુર્નામેન્ટની ૧૩મી સિઝનમાં શનિવારે શારજાહ ખાતે રમાયેલી મેચમાં ચેન્નઈએ દિલ્હી સામે ૧૮૦ રનનો પડકારજનક લક્ષ્યાંક મૂક્યો હતો. ખરાબ શરૂઆત બાદ ધવનની સદીની મદદથી દિલ્હીએ ૧૯.૫ ઓવરમાં પાંચ વિકેટે ૧૮૫ રન નોંધાવીને મેચ જીતી લીધી હતી. દિલ્હીને જીતવા માટે અંતિમ ઓવરમાં ૧૭ રનની જરૂર હતી અને અક્ષર પટેલે ત્રણ સિક્સર ફટકારીને ટીમને વિજય અપાવ્યો હતો. અગાઉ ચેન્નઈએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ૨૦ ઓવરમાં ચાર વિકેટે ૧૭૯ રનનો સ્કોર નોંધાવ્યો હતો. ૧૮૦ રનના લક્ષ્યાંકનો પીછો કરવા માટે ઉતરેલી દિલ્હી કેપિટલ્સ ટીમની શરૂઆત ઘણી જ ખરાબ રહી હતી. ઓપનર પૃથ્વી શો સતત બીજી મેચમાં ખાતું ખોલાવવામાં નિષ્ફળ રહ્યો હતો. રાજસ્થાન રોયલ્સ સામે પ્રથમ બોલ પર આઉટ થનારો પૃથ્વી શો ચેન્નઈ સામે બીજા બોલે આઉટ થયો હતો. ત્યારબાદ અનુભવી બેટ્સમેન અજિંક્ય રહાણે પણ સસ્તામાં આઉટ થયો હતો. રહાણે ૧૦ બોલમાં એક ચોગ્ગા સાથે આઠ રન નોંધાવીને પેવેલિયન ભેગો થયો હતો. શો અને રહાણે દીપક ચાહરના શિકાર બન્યા હતા. ઉપરા-ઉપરી બે ઝટકા બાદ ઓપનર શિખર ધવને બાજી સંભાળી હતી. શિખર ધવન એકલા હાથે દિલ્હીને વિજય તરફ દોરી ગયો હતો. આ દરમિયાન તેને કેપ્ટન શ્રેયસ ઐય્યર અને માર્ક્સ સ્ટોઈનિસનો સાથ મળ્યો હતો. ઐય્યર ૨૩ બોલમાં ૨૩ રન નોંધાવીને આઉટ થયો હતો. જ્યારે સ્ટોઈનિસે બે સિક્સર અને એક ચોગ્ગાની મદદથી ૧૪ બોલમાં ૨૪ રનનું યોગદાન આપ્યું હતું. જોકે, દિલ્હીની બેટિંગનું મુખ્ય આકર્ષણ ટ્ઠધવનની આક્રમક બેટિંગ રહી હતી. છેલ્લી બે મેચમા અડધી સદી નોંધાવનારા ધવને આ મેચમાં પોતાની સદી પૂરી કરી હતી. અંતિમ ઓવરમાં દિલ્હીને જીત માટે ૧૭ રનની જરૂર હતી જેમાં અક્ષર પટેલે ત્રણ સિક્સર ફટકારી હતી અને ટીમને વિજય અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

અક્ષરે પાંચ બોલમાં ત્રણ સિક્સર સાથે અણનમ ૨૧ રન ફટકાર્યા હતા. ચેન્નઈ માટે દીપક ચાહરે બે તથા સેમ કરન, શાર્દૂલ ઠાકુર અને ડ્વેઈન બ્રાવોએ એક-એક વિકેટ ઝડપી હતી. અગાઉ ઓપનર ફાફ ડુ પ્લેસિસની અડધી સદી તથા અંતિમ ઓવર્સમાં રવીન્દ્ર જાડેજાએ કરેલી તોફાની બેટિંગની મદદથી ચેન્નઈ સુપર કિંગ્સે દિલ્હી કેપિટલ્સ સામે ૧૮૦ રનનો લક્ષ્યાંક મૂક્યો હતો. આઈપીએલ ટી૨૦ ક્રિકેટ ટુર્નામેન્ટની ૧૩મી સિઝનની ૩૪મી મેચમાં કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.

(7:29 pm IST)