Gujarati News

Gujarati News

News of Monday, 19th October 2020

આઇપીએલ ક્રિકેટ મેચમાં ડેવિડ વોર્નરની ધમાકેદાર બેટીંગઃ 5 હજાર રન બનાવનાર પ્રથમ વિદેશી બેટસમેન બન્‍યો

દુબઈઃ ડેવિડ વોર્નર પોતાની તોફાની બેટિંગ માટે જાણીતો છે. દરેક ફોર્મેટમાં તેની ધમાકેદાર બેટિંગ જોવા મળે છે. આઈપીએલની આ સીઝનમાં તેનું બેટ વધુ બોલ્યું નથી પરંતુ જ્યારે ક્રીઝ પર હોય છે તો કોઈને કોઈ રેકોર્ડ તેની પાછળ હોય છે. ડેવિડ વોર્નરના નામે હવે આઈપીએલમાં 5000 રન થઈ ગયા છે. આઈપીએલમાં 5000 રન બનાવનાર તે પ્રથમ વિદેશી બેટ્સમેન બની ગયો છે.

કેકેઆર વિરુદ્ધ લક્ષ્યનો પીછો કરતા ડેવિડ વોર્નરે જ્યારે પોતાના 14 રન પૂરા કર્યા તો આઈપીએલમાં તેના 5 હજાર રન પૂરા થયા હતા. તેણે આ આંકડો માત્ર 135 ઈનિંગમાં પૂરો કર્યો છે, જે સૌથી ઝડપી છે. વિરાટ કોહલીએ 157 ઈનિંગમાં પોતાના 5000 આઈપીએલ રન પૂરા કર્યા હતા. તો વોર્નર આ સિદ્ધિ મેળવનાર પ્રથમ વિદેશી ખેલાડી પણ છે. આ પહેલા માત્ર ત્રણ ભારતીય બેટ્સમેનો આઈપીએલમાં 5000 રન બનાવી શક્યા છે.

ડેવિડ વોર્નર સૌથી ઝડપી

આઈપીએલમાં સૌથી ઝડપી 5000 રન પૂરા કરનાર ખેલાડીઓમાં ડેવિડ વોર્નર પ્રથમ સ્થાને છે. ત્યારબાદ વિરાટ કોહલીનું નામ આવે છે. આઈપીએલમાં આ બંન્ને સિવાય સુરેશ રૈના અને રોહિત શર્મા પણ 5 હજાર રન બનાવી ચુક્યા છે. વોર્નરે પોતાની સતત દમદાર ઈનિંગ અને ઝડપી બેટિંગને કારણે આ મુકામ હાસિલ કર્યો છે.

સનરાઇઝર્સ હૈદરાબાદની આગેવાની સિવાય બેટિંગમાં પણ તેનું મોટુ યોગદાન રહ્યું છે. આ કારણ છે કે વોર્નરને બધી ટીમો જલદી આઉટ કરવા ઈચ્છે છે.

(4:56 pm IST)