Gujarati News

Gujarati News

News of Tuesday, 19th January 2021

ચેતેશ્વરને અનેક વખત બોલ વાગ્યો છતાં મેદાન ન છોડ્યું

બ્રિસબેન પર પૂજારા યોધ્ધાની જેમ ટકી રહ્યો : કોમેન્ટ્રી બોક્સમાંથી પૂર્વ ક્રિકેટર સંજય માંજરેકરે ચેતેશ્વર પૂજારાને બ્રેવરી એવોર્ડ આપવા માટેની ભલામણ કરી

બ્રિસબેન, તા. ૧૯ : ભારતીય ટીમનું મુખ્ય ખેલાડીઓની ગેરહાજરીમાં ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ સીરિઝમાં પ્રદર્શન ખૂબ જ પ્રશંસનીય રહ્યું છે. સિડની ટેસ્ટમાં ધૈર્ય, વીરતા અને કાઉન્ટર એટેકનું પ્રદર્શન ટીમ ઈન્ડિયાએ કર્યું, તેની એક ઝલક બ્રિસબેન સેસ્ટમાં પણ જોવા મળી રહી છે. ગાબા ટેસ્ટના પાંચમા અને નિર્ણાયક દિવસે પુજારાએ જાણો પોતાને દિવાલ બનાવી લીધી હોય તેમ ક્રીઝ પર ટકી રહ્યો છે. એવામાં તેની તુલના હવે રાહુલ દ્રવિડ સાથે કરવામાં આવે છે. પરંતુ ગાબા ટેસ્ટમાં ચેતેશ્વરની બેટિંગ બિલકુલ અલગ અંદાજમાં જોવા મળી. પેટ કમિન્સના બાઉન્સર અને શોર્ટ પિચ બોલે તેને ડરાવ્યો, ધમકાવ્યો પરંતુ ચેતેશ્વર પરેશાન ન થયો. શરીર પર બોલ વાગવા સાથે પૂજારાનો આત્મવિશ્વાસ અને પ્રતિબદ્ધતા વધારે મજબૂત થતી ગઈ. એક રિપોર્ટ મુજબ આ સંપૂર્ણ સીરિઝ દરમિયાન ભારતીય બેટ્સમેનોને ૩૨થી વધુ વખત શરીર પર બોલ વાગ્યો છે.

જો ગણતરી કરવામાં આવે તો ઓસ્ટ્રેલિયાના બોલર્સે પાંચમા દિવસના ટી-સેશન સુધી ચેતેશ્વર પુજારાના શરીર પર સાત વખત બોલથી વાર કર્યો. પરંતુ આ સ્ટ્રેટર્જી પુજારાના મનોબળને હલાવી શકી નહીં. પુજારા દરેક ઈજા બાદ શોર્ટ મિડ ઓન તરફ ચાલવા લાગતો અને ફરીથી પાછો ક્રીઝ પર ફરતો. તેણે ક્યારેય પેશન્સ ગુમાવ્યું નહીં. જ્યારે બીજી સાઈડથી શુભમન ગિલ જોરદાર શોટ્સ લગાવતો રહ્યો. ગિલ ૯૧ રન બનાવીને આઉટ થયો. કાંગારૂઓને ખબર હતી કે પુજારા ક્રીઝ પર છે ત્યાં સુધી મેચનું પરિણામ બદલાઈ શકે છે.

પેટ કમિન્સના એક બાઉન્સ બોલથી બચવા માટે ચેતેશ્વર પુજારાને નીચે ઝૂકવાનો પણ સમય ન મળ્યો. તે બોલની લાઈનથી હટે ત્યાં સુધીમાં બોલ એકદમ નજીક આવી ગયો હતો. એવામાં પુજારાએ માથું નીચે નમાવ્યું અને બોલ સીધો હેલ્મેટના પાછળના ભાગ પર વાગ્યો. અમુક જ સેકન્ડ માટે લાગ્યું કે તે ઈજાગ્રસ્ત તો નથી થઈ ગયોને પરંતુ પુજારા ફરીથી રમવા માટે બેઠો થઈ ગયો. જ્યારે પિચ પરની ક્રેકના કારણે બોલ અચાનક ઝડપી થઈને પુજારાની આંગળી પર વાગ્યો તો તેને ખૂબ પીડા થઈ રહી હતી. તેણે બેટ ફેંકી દીધું અને ફિઝિયો દોડીને આવ્યા. એકવાર તો લાગ્યું કે તે બેટિંગ જ નહીં કરી શકે. પરંતુ પુજારાએ હાર ન માની અને ફરીથી બેટિંગ શરૂ કરી. કોમેન્ટ્રી બોક્સમાં આ જોઈ રહેલા સંજય માંજરેકરે એવું પણ કહી દીધું કે આ ભાવુક થવાનો સમય છે, જો ટીમ ઈન્ડિયા માટે કોઈ બ્રેવરી એવોર્ડ છે તો તેને પુજારાને આપવો જોઈએ. પાંચમા દિવસની રમત શરૂ થતા પહેલા ઓસ્ટ્રેલિયન કોચ જસ્ટિન લેંગર પિચના નિરીક્ષણ માટે આવ્યો અને એક વીડિયોમાં તે ઘટના કેદ થઈ. તે ક્રીઝ પર આવે છે. શોર્ટ અને ગુડ લેન્થ પર તિરાડ જોઈને હસવા લાગે છે, જેમ કે એકાદ કલાકમાં ઓસ્ટ્રેલિયન બોલર ભારતના બેટ્સમેનોને આઉટ કરી દેશે. પરંતુ આવું કંઈ ન થયું, કમિન્સ, હેઝલવુડ અને સ્ટાર્કે આ તિરાડો પર બોલ નાખ્યો પરંતુ ભારતીય બેટ્સમેનો ડગમગ્યા નહીં.

(7:22 pm IST)