Gujarati News

Gujarati News

News of Thursday, 21st January 2021

રાજસ્થાન રોયલ્સે સંજૂ સેમસનને સુકાની બનાવ્યો

ફ્રેન્ચાઈઝીએ સ્મિથનો કોન્ટ્રાક્ટ રિન્યુ ન કર્યો : સ્મિથની કેપ્ટનશીપમાં રાજસ્થાન યુએઈમાં રમાયેલ ગત આઈપીએલની સિઝનમાં અંતિમ સ્થાન ઉપર રહી હતી

મુંબઈ, તા. ૨૧ : રાજસ્થાન રોયલ્સે ઈન્ડિયન પ્રીમિયર લીગ ૨૦૨૧ પોતાના સ્ટાર કેપ્ટન સ્ટીવ સ્મિથ સાથેનો કોન્ટ્રાક્ટ રિન્યુ નહીં કરવાનો નિર્ણય કર્યો છે. આ ઉપરાંત રાજસ્થાન રોયલ્સની ફ્રેન્ચાઈઝીએ સ્મિથના સ્થાને ભારતીય વિકેટકીપર સંજુ સેમસનને રાજસ્થાનનો નવો કેપ્ટન બનાવ્યો છે.

સ્મિથની કેપ્ટનશીપમાં રાજસ્થાન રોયલ્સે યુએઈમાં રમાયેલ ગત આઈપીએલ સિઝનમાં અંતિમ સ્થાન પર રહી હતી. સ્મિથે તમામ ૧૪ લીગ મેચ રમી અને ૩૧૧ રન બનાવ્યા હતા. ટીમના ખરાબ પ્રદર્શનને કારણે તેની ખુબ જ ટીકા કરવામાં આવી હતી. ટીમ તરફથી કહેવામાં આવ્યું કે સ્મિથનો કોન્ટ્રાક્ટ ઓક્ટોબર ૨૦૨૦ સુધી હતો જેને રિન્યુ કરવામાં નહીં આવે.

આઈપીએલ ૨૦૧૮ પહેલાં રોયલ્સે ફક્ત સ્મિથને ટીમમાં યથાવત રાખવામાં આવ્યો હતો અને ૧૨.૫ કરોડ રૂપિયાનો કરાર કરવામાં આવ્યો હતો. તેને કેપ્ટન પણ બનાવવામાં આવ્યો હતો. પણ દક્ષિણ આફ્રિકામાં બોલ સાથે છેડછાડને કારણે તેને પદ છોડવું પડ્યું હતું. ભારત સામે ઓસ્ટ્રેલિયામાં હાલમાં જ થયેલી સીરિઝમાં પણ સ્મિથનું પ્રદર્શન ખરાબ રહ્યું હતું.

બીજી બાજુ નવા કેપ્ટન સંજુ સેમસનની વાત કરીએ તો તેણે ગત સિઝનમાં ધમાકો કર્યો હતો. તેણે ૧૪ મેચોમાં ૩૭૫ રનો બનાવ્યા હતા. જેમાં ૨૬ સિક્સ સામેલ હતા. તેણે ૈંઁન્ની ૧૦૭ મેચોમાં ૧૯૧ સિક્સ લગાવી ચૂક્યો છે.

૨૦૦૮માં ટ્રોફી જીતનાર રાજસ્થાને વિદેશી ખેલાડીઓમાં બેન સ્ટોક્સ, જોસ બટલર અને જોફ્રા આર્ચરને રિટેન કરી લીધા છે. આ ત્રણેય ખેલાડીઓએ ગત સિઝનમાં સારું પ્રદર્શન કર્યું હતું.

રિટેન કરાયેલ ખેલાડીઃ સંજુ સેમસન, સ્ટોક્સ, જોફ્રા આર્ચર, જોસ બટલર, રિયાન પરાગ, શ્રેયસ ગોપાલ, રાહુલ તેવતિયા, મહિપાલ લોમરોર, કાર્તિક ત્યાગી, એન્ડ્રયુ ટ્રાઈ, જયદેવ ઉનડકટ, મયંક મારકંડે, યશસ્વી જયસ્વાલ, અનુજ રાવત, ડેવિડ મિલર, મનન વોહરા, રોબિન ઉથપ્પા.

રિલીઝ કરેલ ખેલાડીઓઃ સ્મિથ, અંકિત રાજપૂત, ઓશેન થોમસ, આકાશ સિંહ, વરુણ એરોન, ટોમ કુરેન. અનિરુદ્ધ જોશી, શશાંક સિંહ

(9:11 pm IST)