Gujarati News

Gujarati News

News of Saturday, 21st November 2020

ટીમ ઇન્ડિયાના સ્પીનર રવિચંદ્રન અશ્વિને પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમની ખૂબ પ્રશંસા કરીઃ તે એક મહાન ખેલાડી છે

નવી દિલ્હીઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે મેદાન પર ખુબ ગરમા-ગરમી થતી રહી છે પરંતુ એક-બીજા પ્રત્યે બંન્ને ટીમોના ખેલાડીઓમાં ખુબ સન્માન પણ જોવા મળે છે. ટીમ ઈન્ડિયાના સ્પિનર રવિચંદ્રન અશ્વિને પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમની ખુબ પ્રશંસા કરી છે. અશ્વિને ઇંઝમામ-ઉલ-હકની સાથે યૂટ્યૂબ ચેનલ પર વાતચીતમાં બાબર આઝમની ખુબ પ્રશંસા કરી છે. 

બાબર આઝમે પોતાની પ્રતિભાનો પરિચર સમગ્ર દુનિયાને આપ્યો છે. 25 વર્ષીય બેટ્સમેન ત્રણેય ફોર્મેટમાં દમદાર રન બનાવી રહ્યો છે. દરેક ફોર્મેટમાં તે સતત નિખરતો જાય છે. હાલમાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે બાબરને ટેસ્ટ ક્રિકેટનો કેપ્ટન પણ બનાવ્યો છે. 

રવિચંદ્રન અશ્વિનને બાબરને મિલિયન ડોલરનો ખેલાડી ગણાવ્યો છે. ત્યારબાદ આ 34 વર્ષીય સ્પિનરે ઇંઝમામ-ઉલ-હકને તેમનો અભિપ્રાય પૂછ્યો. 

અશ્વિને કહ્યુ, બાબર આઝમ એક મિલિયન ડોલરનો ખેલાડી લાગે છે. તેણે ઓસ્ટ્રેલિયામાં સદી ફટકારી. તેને બેટિંગ કરતો જોવો સારો લાગે છે. તમારો બાબર વિશે શું અભિપ્રાય છે?

તેના પર પાકિસ્તાનના પૂર્વ કેપ્ટને પણ બાબરની પ્રશંસા કરતા તેને શાનદાર ખેલાડી ગણાવ્યો. ઇંઝમામે આ સાથે સ્વીકાર્યુ કે, બાબર પોતાની બેટિંગની પીક પર પહોંચ્યો નથી. 

તેણે કહ્યું, તે એક મહાન ખેલાડી છે. જે પ્રકારનું ટેલેન્ટ તેની પાસે છે, તેણે તેનાથી સારૂ પ્રદર્શન કરવું જોઈએ. તે માત્ર પાંચ વર્ષથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી રહ્યો છે. કોઈ બેટ્સમેન સાત કે આઠ વર્ષ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમ્યા બાદ પોતાની પીક પર પહોંચે છે તો બાબરે હજુ પોતાની પીક પર પહોંચવાનું છે. એટલે કે તે આગામી વર્ષોમાં વધુ સારૂ પ્રદર્શન કરશે.

(5:28 pm IST)