Gujarati News

Gujarati News

News of Friday, 23rd October 2020

કોરોના વાયરસ મહામારી બાદ દક્ષિણ આફ્રિકામાં આંતરરાષ્‍ટ્રીય ક્રિકેટ મેચ રમાશેઃ ઇંગ્‍લેન્‍ડની ટીમ આગામી મહિને આફ્રિકા જશેઃ ટી20 મેચ રમાશે

નવી દિલ્હીઃ  ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ અને ક્રિકેટ સાઉથ આફ્રિકાએ મળીને તે વાતની જાહેરાત કરી દીધી છે કે હવે સાઉથ આફ્રિકાની ધરતી પર આંતરરાષ્ટ્રીય ક્રિકેટ શરૂ થશે. કોરોના વાયરસ મહામારી બાદ સાઉથ આફ્રિકામાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટનું આયોજન થશે. ઈંગ્લેન્ડની ટીમ આગામી મહિને સાઉથ આફ્રિકાના પ્રવાસે જશે, જ્યાં બંન્ને ટીમો વચ્ચે સીમિત ઓવરોની સિરીઝ રમાશે.

ઈંગ્લેન્ડની ટીમ ત્રણ મેચોની ટી20 સિરીઝ અને એટલી મેચોની વનડે સિરીઝ માટે 16 નવેમ્બરે કેપટાઉન માટે ઉડાન ભરશે. તો ટી20 સિરીઝની શરૂઆત 27 નવેમ્બરથી થશે, પરંતુ તે પહેલા ઇંગ્લિશ ટીમને બાયો-સિક્યોર બબલમાં પ્રવેશ કરવા માટે ક્વોરેન્ટાઇન સમય પૂરો કરવો પડશે. બંન્ને દેશોના ક્રિકેટ બોર્ડે મળીને તે નક્કી કર્યું છે કે બાકી સિરીઝની જેમ આ સિરીઝ પણ કોરોનાને કારણે બંધ દરવાજાની પાછળ એટલે કે ખાલી સ્ટેડિયમમાં રમાશે.

ઈંગ્લેન્ડની ટીમ કોરોના વાયરસ મહામારી વચ્ચે અત્યાર સુધી પોતાની ધરતી પર સિરીઝ રમી છે, પરંતુ આ તેનો પ્રથમ વિદેશ પ્રવાસ હશે. તો ક્રિકેટ સાઉથ આફ્રિકાએ પોતાની સરકાર પાસે બધી મંજૂરી લઈ લીધી છે. ઇયોન મોર્ગનની આગેવાની વાળી ટીમ 16 નવેમ્બરે કેપટાઉન પહોંચશે. ક્વોરેન્ટાઈનમાં રહ્યાં બાદ ટીમ ઇન્ટ્રા સ્ક્વોડ ટી20 અને વનડે મેચ રમશે. ત્યારબાદ 27 નવેમ્બરે પ્રથમ ટી20 મેચ કેપટાઉનના ન્યૂલેન્ડ્સમાં રમાશે.

ટી20 સિરીઝનો બીજો મુકાબલો પાર્લના બોલેન્ડ પાર્કમાં રવિવાર 29 નવેમ્બરે રમાશે, જ્યારે આ મેદાન પર એક ડિસેમ્બરે ત્રીજી અને ટી20 સિરીઝની છેલ્લી મેચ રમાશે. વનડે સિરીઝની શરૂઆત આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ સુપર લીગ હેઠળ કેપટાઉનમાં 4 ડિસેમ્બરથી શરૂ થશે. બીજી મેચ 6 ડિસેમ્બરે પાર્લમાં યોજાશે, જ્યારે છેલ્લી મેચ 9 ડિસેમ્બરે કેપટાઉનમાં રમાશે.

પ્રથમ ટી 20 મેચ: 27 નવેમ્બર 2020ના રોજ કેપટાઉનમાં

બીજી ટી 20 મેચ: 29 નવેમ્બર 2020 નારોજ પારલમાં

ત્રીજી ટી 20 મેચ: 1 ડિસેમ્બર 2020 કેપટાઉનમાં

પ્રથમ વનડે: 4 ડિસેમ્બર, 2020 કેપટાઉનમાં

બીજી વનડે મેચ: 6 ડિસેમ્બર, 2020 માં પારલમાં

ત્રીજી વનડે: 9 ડિસેમ્બર, 2020 કેપટાઉનમાં

(4:58 pm IST)