Gujarati News

Gujarati News

News of Thursday, 24th September 2020

ધોનીએ શેન વોટ્સનને તેની ફિલ્ડ પોઝિશન યાદ અપાવી

કૂલ ધોનીની ફિલ્ડિંગ પર ચાંપતી નજર : વોટસન થર્ડમેન પરથી ખસી જતા એક બોલ તેની નજીકથી નિકળ્યો હતો : પોઝિશનને લઇને ભુલ નહીં કરું : વોટસન

નવી દિલ્હી, તા. ૨૪ : ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની હંમેશાં ફિલ્ડિંગમાં ખેલાડીઓ પાસેથી ૧૦૦ ટકા માંગ કરે છે. ઘણી વખત, જો કોઈ ફીલ્ડર ભૂલ કરે છે, તો તે તેને ઠપકો પણ આપે છે પણ શાંત અને સંયમિત રીતે. આઈપીએલની ૧૩મી સીઝનમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ મેચ દરમિયાન આવું જ બન્યું હતું, જ્યારે શેન વોટસન તેની ફિલ્ડિંગની પોઝિશનથી હટી ગયો હતો. મંગળવારે રાજસ્થાન રોયલ્સ સામેની મેચ બાદ તેના વીડિયો બ્લોગમાં શેન વોટસને કહ્યું કે ફિલ્ડિંગ કરતી વખતે તેણે ભૂલ કરી હતી, જેના પર ધોનીએ તેમને યાદ કરાવ્યું કે તેની પોઝિશન ખોટી છે.

વોટસને કહ્યું, 'એક બોલ દરમિયાન હું મારી (ફિલ્ડિંગ) પોઝિશનથી થોડો દૂર થર્ડ મેન પર ઊભો હતો. સામ કરનનો આ બોલ પાસેથી નિકળી ગયો. એમ.એસ. ધોનીએ આક્રમક રીતે નહીં પરંતુ પોતાની રીતે કહ્યું હતું કે તારી પોઝિશન આ નહોતી.' ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન ખેલાડીએ કહ્યું કે, ધોની મેદાન પર દરેકની જવાબદારી સુનિશ્ચિત કરે છે અને તે તે સારી રીતે કરે છે. હા, મને ખરાબ લાગ્યું હતું પરંતુ હું ધ્યાન રાખીશ કે હું ફરીથી પોઝિશનને લઈને ભૂલ ન કરું. ચેન્નાઈ સુપર કિંગ્સે શારજાહમાં આઈપીએલમાં આ મુકાબલામાં ૧૬ રનથી હારનો સામનો કરવો પડ્યો. રાજસ્થાનએ ૭ વિકેટે ૨૧૬ રન બનાવ્યા, ત્યારબાદ ચેન્નઈની ટીમ ૬ વિકેટે ૨૦૦ રન બનાવી શકી હતી.

(7:27 pm IST)