Gujarati News

Gujarati News

News of Monday, 30th November 2020

ઓસ્ટ્રેલીયા સામેની મેચમાં ભારતીય ક્રિકેટર કે. એલ. રાહુલે વિરેન્દ્ર સહેવાગની બરોબરી કરીઃ રાહુલ દ્રવિડનો રેકોર્ડ તોડયો

સિડની: ઓસ્ટ્રેલિયા સામેની બીજી વન-ડેમાં કાંગારુ ટીમે 51 રનથી ટીમ ઈન્ડિયાને હરાવીને ત્રણ મેચની સીરિઝમાં 2-0ની સરસાઈ મેળવી લીધી છે. આ મેચમાં કાંગારુ બેટ્સમેનોનું પ્રદર્શન શાનદાર રહ્યું તો ભારતીય બેટ્સમેનોનો પ્રયત્ન પણ શાનદાર રહ્યો. એકબાજુ ઓસ્ટ્રેલિયાએ 50 ઓવરમાં 4 વિકેટે 389 રન બનાવ્યા તો ટીમ ઈન્ડિયાએ પણ 50 ઓવરમાં 9 વિકેટે 338 રન બનાવ્યા. ટીમ ઈન્ડિયા તરફથી કેપ્ટન વિરાટ કોહલી અને વિકેટકીપર-બેટ્સમેન કેએલ રાહુલે શાનદાર ઈનિંગ્સ રમી.

વિરાટ કોહલીએ જ્યાં 87 બોલમાં 89 રન બનાવ્યા તો કેએલ રાહુલે 66 બોલમાં 76 રન બનાવ્યા. કેએલ રાહુલે પોતાની ઈનિંગ્સમાં 5 સિક્સ અને 4 ચોક્કા લગાવ્યા. પોતાની આ ઈનિંગ્સના દમ પર રાહુલે કેટલાંક રેકોર્ડ પોતાના નામે કર્યા. ઓસ્ટ્રેલિયામાં વન-ડે ક્રિકેટમાં એક ઈનિંગ્સમાં સૌથી વધારે સિક્સ ફટકારવાનો રેકોર્ડ રોહિત શર્માના નામે છે. જેણે 2016માં 7 સિક્સ ફટકારી હતી. જ્યારે બીજા નંબરે પણ રોહિત શર્મા જ છે. જેણે 2019માં એક ઈનિંગ્સમાં 6 સિક્સ ફટકારી હતી. પરંતુ હવે કેએલ રાહુલે એક ઈનિંગ્સમાં 5 સિક્સ ફટકારીને વિરેન્દ્ર સેહવાગની બરોબરી કરી લીધી. અને તેમની સાથે સંયુક્ત રીતે ત્રીજા નંબરે આવી ગયો છે. સેહવાગે 2004માં ઓસ્ટ્રેલિયા સામે એક ઈનિંગ્સમાં 5 સિક્સ ફટકારી હતી. 

વન-ડેની એક ઈનિંગ્સમાં ઓસ્ટ્રેલિયામાં ભારત માટે સૌથી વધારે સિક્સ ફટકારનાર બેટ્સમેન:

રોહિત શર્મા - 2016 - 7 સિક્સર
રોહિત શર્મા - 2019 - 6 સિક્સર
વિરેન્દ્ર સેહવાગ - 2004 - 5 સિક્સર
કેએલ રાહુલ - 2020 - 5 સિક્સર

ઓસ્ટ્રેલિયાની ધરતી પર વિકેટકીપર-બેટ્સમેન તરીકે સૌથી વધારે રન બનાવવાના મામલામાં કેએલ રાહુલ ત્રીજા નંબરે પર આવી ગયો છે. તેણે રાહુલ દ્રવિડને પાછળ છોડી દીધો છે. દ્રવિડે વિકેટકીપર-બેટ્સમેન તરીકે ભારત તરફથી 2004માં 74 રનની ઈનિંગ્સ રમી હતી. અને હવે કેએલ રાહુલે 76 રનની ઈનિંગ્સ રમીને તેને પાછળ મૂકી દીધો. આ મામલામાં પહેલા નંબર પર એમએસ ધોની છે. જેણે 2008માં અણનમ 88 રન, જ્યારે બીજા નંબર પર પણ એમએસ ધોની છે. જેણે 2019માં 87 રનની ઈનિંગ્સ રમી હતી. 

ઓસ્ટ્રેલિયામાં વિકેટકીપર-બેટ્સમેન તરીકે સૌથી વધારે રન બનાવનારા ભારતીય ખેલાડી:

મહેન્દ્ર સિંહ ધોની - 2008 - 88 રન
મહેન્દ્ર સિંહ ધોની - 2019 - 87 રન
કેએલ રાહુલ - 2020 - 76 રન
રાહુલ દ્રવિડ - 74 રન - 2004

કેપ્ટન વિરાટ કોહલીની આગેવાનીમાં ટીમ ઈન્ડિયાએ 3 મેચની વન-ડે સીરિઝ 2-0થી ગુમાવી હતી. આ પ્રકારે યજમાન ટીમે છેલ્લા પ્રવાસે મળેલી હારનો બદલો ટીમ ઈન્ડિયા પાસેથી લઈ લીધો છે. 

(5:32 pm IST)