Gujarati News

Gujarati News

News of Monday, 30th November 2020

સ્પિનર સંદીપ લામિછાને કોરોના થતાં હોસ્પિટલમાં

આઈપીએલની ફ્રેન્ચાઈઝી દિલ્હી કેપિટલ્સનો ખેલાડી : શરૂઆતમાં હોમ આઈસોલેશનમાં રહ્યા બાદ શ્વાસ લેવામાં તકલીફ થતાં તે હોસ્પિટલમાં દાખલ થઈ ગયો

નવી દિલ્હી, તા. ૩૦ : નેપાલ ક્રિકેટ ટીમ અને ઇન્ડિયન પ્રીમિયર લીગની ફ્રેન્ચાઇજી ટીમ દિલ્હી કેપિટલ્સના સ્પિનર સંદીપ લામિછાનેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. સંદીપ લામિછાએ ૨૮ નવેમ્બરે ટ્વિટર દ્વારા જણાવ્યું હતું કે તે કોવિડ-૧૯ પોઝિટિવ છે. એક ખબર અનુસાર સંદીપ હોમ આઇસોલેશનમાં હતા. પરંતુ શ્વાસ લેવામાં તકલીફ બાદ સંદીપને હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું.

સંદીપે ટ્વિટર પર લખ્યું હતું કે મારું કર્તવ્ય છે કે હું તમને લોકોને જણાવું કે હું કોરોના પોઝિટિવ છું. મને બુધવારે શરીરમાં દુખાવો હતો. પરંતુ હવે મારી તબિયત થોડીક સારી થઇ રહી છે. જો બધુ સારું રહ્યું તો હું ફરીથી મેદાનમાં પરત ફરીશ. મારા માટે પ્રાર્થના કરો. પહેલા ૨૭ નવેમ્બરે નેપાલ ક્રિકેટ ટીમના ઉપ-કેપ્ટન પણ કોરોના પોઝિટિવ આવ્યા હતા.

લેગ સ્પિનર આઇપીએલ ૨૦૨૦ના ૧૩મી સીઝનમાં દિલ્હી કેપિટલ્સની ટીમમાં હતો. પરંતુ એક પણ મેચ રમવાની તક ખેલાડીને મળી હતી. લામિછાને બીબીએલની શરૂઆતની મેચ રમી શકશે નહીં. તે ડિસેમ્બરની મધ્યમાં ઓસ્ટ્રેલિયા પહોંચશે અને બે અઠવાડિયા માટે ક્વોરન્ટીન રહેશે.

(7:38 pm IST)