ખેલ-જગત
News of Saturday, 16th January 2021

ન્યુઝીલેન્ડમાં કારમી હાર થતા પાકિસ્તાને આફ્રિકા સામેની સીરીઝમાંથી 6 ખેલાડીઓને બહાર કર્યા

ટીમમાં કુલ નવ જેટલા નવા ચહેરાઓ સામેલ કરાયા :

પાકિસ્તાનએ દક્ષિણ આફ્રિકા સામેની બે ટેસ્ટ મેચની સીરીઝને લઇને ટીમ જાહેર કરી છે. આ ટીમમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા. ન્યુઝીલેન્ડ પ્રવાસ પર મોકલેલી ટીમના છ ખેલાડીઓને ટીમની બહાર કરી દેવામાં આવ્યા છે. જેમાં શાન મસૂદ, હારિસ સોહિલ, ઇમામ ઉલ હક પણ બહાર થવાની યાદીમાં સામેલ થયો છે. મુખ્ય પસંદગીકાર મહંમદ વાસિમએ આફ્રિકા સામેની સીરીઝ માટે 20 સદસ્યોની યાદી જાહેર કરી હતી. તેમણે ઘરેલુ ક્રિકેટમાં સારુ પ્રદર્શન કરનારા ખેલાડીઓને ટીમમાં પસંદ કર્યા છે. ટીમમાં કુલ નવ જેટલા નવા ચહેરાઓ સામેલ થયા છે. પ્રથમ ટેસ્ટ મેચ પુર્વે આ યાદીમાંથી 16 ખેલાડીઓને પસંદ કરવામાં આવશે.

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) ના પસંદગીકારોએ ન્યુઝીલેન્ડ પ્રવાસ દરમ્યાન પાકિસ્તાનનો ટેસ્ટમાં સફાયો થવાને લઇને સાફસફાઇ કરી હતી. તો બીજી તરફ PCB સામે ક્રિકેટરો પણ પસંદગી અને બોર્ડની નિતીઓને લઇને બોલવા લાગ્યા હતા. આ દરમ્યાન જ હવે ન્યુઝીલેન્ડમાં કારમી હારને બહાને ખેલાડીઓને મોટી સંખ્યામાં બહાર કર્યા છે. આમ એક પ્રકારે ખેલાડીઓમાં ટીમમાં ટકી રહેવા માટેનુ દબાણ સર્જાશે. ન્યુઝીલેન્ડ પ્રવાસે ગયેલ નસિમ શાહને ઇજાને લઇને બહાર રખાયાનુ કહ્યુ છે. તો સ્પિનર જાફર ગોહાર, ઝડપી બોલર મહંમદ અબ્બાસ અને સોહેલ ખાન પણ બહાર થવાની યાદીમાં સામેલ છે. આફ્રિકી ટીમ શનિવારે કરાંચી પહોંચશે.

દક્ષિણ આફ્રિકા સામે પાકિસ્તાન અને આફ્રિકા વચ્ચે આગામી 26 જાન્યુઆરીથી સીરીઝ શરુ થનારી છે. જે માટે ટોચના ક્રમના બેટ્સમેન સઉદ શકિલ, કામરાન ગુલામ, ઓલરાઉન્ડર આગા સલમાન અને સ્પિનર નૌમાન અલી, ઓફ સ્પિનર સાજિદ ખાન તથા ઝડપી બોલર હસન અલી અને તાશિબ ખાનને પ્રથમ વાર ટીમમાં પસંદ કરવામાં આવ્યા છે. પસંદગીકારોએ યુવા બેટ્સમેન અબ્દુલ્લા શફિકને ટેસ્ટ ટીમમાં સ્થાન આપ્યુ છે. તેને ટી20 એક્સપર્ટ તરીકે ન્યુઝીલેન્ડના પ્રવાસમાં મોકલવામાં આવ્યો હતો. આ ઉપરાંત ટી20 નો અન્ય એક એક્સપર્ટ બોલર હારિસ રઉફને પણ ટીમમાં જગ્યા અપાઇ છે.

(11:08 am IST)