ખેલ-જગત
News of Sunday, 22nd November 2020

હું અહીં મરવા નથી માંગતો મારે પુત્રને જોવો છે : સુનિલ ગાવસ્કર

સુનિલ ગાવસ્કર ગુસ્સામાં લાલચોળ થયા હતા : વિરાટ કોહલીને અપાયેલી પેટરનિટી લિવને કેટલાક લોકો સમર્થન આપે છે જ્યારે કેટલાક તેને અયોગ્ય હોવાનું કહે છે

મુંબઈ, તા. ૨૨ : ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને અનુષ્કા શર્માના ઘરે થોડા સમયમાં પારણુ બંધાવાનું છે. પહેલી જ વાર પિતા બની રહેવાનો અનુભવ યાદગાર રહે તે માટે વિરાટે તડામાર તૈયારીઓ કરી લીધી છે. આ સમયે તે પત્ની અનુષ્કાની સાથે જ રહેશે. બીસીસીઆઈએ આ માટે વિરાટ કોહલીને રજા આપી દીધી છે.

વિરાટ એડિલેડમાં પ્રથમ ટેસ્ટ મેચ રમ્યા પછી ભારત પરત ફરશે. દર્શકોમાં આ વાતને લઇને મિશ્રિત પ્રતિક્રિયા છે. કેટલાક તેને સાચો નિર્ણય જણાવી રહ્યા છે અને તેને સમર્થન આપી રહ્યા છે, જ્યારે કેટલાક તેને ખોટું પણ કહી રહ્યા છે. ઘણા એવા ક્રિકેટરો રહ્યા છે કે જેઓ તેમના બાળકના જન્મ સમયે તેમના પરિવાર સાથે રહી શક્યા ન હતા. આવા ખેલાડીઓની યાદી લાંબી છે. આમાંનુ એક નામ સુનીલ ગાવસ્કર છે.

અંશુમન ગાયકવાડે જણાવ્યું કે ગાવસ્કર તેમના પુત્રને જોવા ભારત આવવા માંગતા હતા, કારણ કે ભારતની આગામી શ્રેણી બે અઠવાડિયા પછી વેસ્ટ ઇન્ડીઝમાં હતી, પરંતુ બીસીસીઆઈએ તેને મંજૂરી આપી નહોતી. બીસીસીઆઈએ ગાવસ્કરને બાકીની ટીમ સાથે વેસ્ટ ઇન્ડીઝ જવા કહ્યું હતું. તેમણે જણાવ્યું કે ગાવસ્કર અઢી મહિના પછી તેમના પુત્ર રોહનને જોવા પામ્યો હતો વેસ્ટ ઇન્ડીઝના પ્રવાસે ગાવસ્કરે સતત વેસ્ટ ઇન્ડીઝના ખેલાડીઓ વિરૂદ્ધ ફરિયાદો કરી હતી. તેમણે કહ્યું, 'ગાવસ્કરની ફરિયાદ પર અમ્પાયરે કહ્યું હતું કે આપણે શોર્ટ બોલ રમવા માટે ટેવાયેલા નથી, જેના પર પૂર્વ બેટ્સમેન વધારે ગુસ્સે થઈ ગયો. હું તેમને શાંત રહેવાની અપીલ કરી રહ્યો હતો, કારણ કે મેં તેમને પ્રથમ વખત ગુસ્સે થયેલ જોયો હતો. "ગાયકવાડે કહ્યું કે ગાવસ્કરે મને કહ્યું," મારે અહીં મરવું નથી. હું ઘરે જઇને મારા દીકરાને જોવા માંગુ છું. "

(7:58 pm IST)