ખેલ-જગત
News of Saturday, 27th February 2021

2 વર્ષ બાદ વેસ્ટ ઈન્ડીઝની T20 ટીમમાં ક્રિસ ગેઈલની એન્ટ્રી : વનડે ટીમમાંથી હજુ પણ બહાર

ક્રિસ ગેઈલે તેની આખરી T20 ક્રિકેટ મેચ ઓગષ્ટ 2019માં ભારત સામે રમી હતી

મુંબઈ : વિસ્ફોટક  બેટ્સમેન ક્રિસ ગેલનો બે વર્ષના લાંબા અરસા બાદ વેસ્ટ ઈન્ડીઝની ટીમમાં સમાવેશ થઇ શક્યો છે. વેસ્ટ ઇન્ડીઝ અને શ્રીલંકા  વચ્ચે ત્રણ માર્ચથી શરુ થનારી T20 શ્રેણી માટે તેનો સમાવેશ કર્યો છે. કિરોન પોલાર્ડની કેપ્ટનશીપ ધરાવતી 14 સભ્યોની ટીમમાં ક્રિસ ગેઈલને સામેલ કરવામાં આવ્યો છે. ક્રિસ ગેઈલે હાલમાં જ પાકિસ્તાન સુપર લીગ (PSL) અને તે અગાઉ IPLમાં શાનદાર પ્રદર્શન કર્યુ હતુ.

39 વર્ષીય ઝડપી બોલર ફિડેલ એડવર્ડઝ નો પણ નવ વર્ષના લાંબા સમયગાળા બાદ ફરીથી ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ત્રણ મેચોની સિરીઝ આગામી ત્રીજી માર્ચે શરુ થશે, બીજી મેચ 5 અને ત્રીજી મેચ 7 માર્ચે રમાનારી છે. સાથે જ એંટીગાનુ કૂલિઝ ક્રિકેટ ગ્રાઉન્ડનો પણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યુ થશે.

ક્રિસ ગેઈલે તેની આખરી T20 ક્રિકેટ મેચ ઓગષ્ટ 2019માં ભારત સામે રમી હતી. ક્રિકેટ વેસ્ટ ઈન્ડીઝના મુખ્ય પસંદગીકાર રોઝર હાર્પરે કહ્યુ હતુ કે, ક્રિસ ગેઈલે હાલમાં જ શાનદાર પ્રદર્શન વિવિધ ટુર્નામેન્ટમાં કર્યુ છે. પસંદગી સમિતીને લાગે છે કે, ટીમને તેનો અનુભવ ખૂબ જ કામ આવશે. અમે T20 વિશ્વ કપને ધ્યાને રાખીને પોતાની સર્વશ્રેષ્ઠ ટીમને ઉતારવા ઈચ્છીએ છીએ. પસંદગી સમિતીએ વન ડે શ્રેણી માટે પણ વેસ્ટ ઈન્ડીઝની ટીમનું એલાન કર્યુ હતુ. જોકે વન ડે શ્રેણીમાં ગેઈલનો સમાવેશ થયો નહોતો.

 

T20 ટીમઃ કિરોન પોલાર્ડ (કેપ્ટન), નિકોલસ પૂરણ, ફેબિયન એલન, ડ્વેન બ્રાવો, ફિડેલ એડવર્ઝ, આંદ્રે ફ્લેચર, ક્રિસ ગેઇલ, જૈસન હોલ્ડર, અકિલ હુસૈન, એવિન લુઇસ, ઓબેદ મેકોય, રોવમેન પાવેલ, લૈંડલ સિમંસ, કેવિન સિનક્લેયર.

વન ડે ટીમઃ કિરોન પોલાર્ડ (કેપ્ટન), શાઇ હોપ, ફેબિયન એલન, ડ્વેન બ્રાવો, જૈસન હોલ્ડર, અકિલ હુસૈન, અલઝારી જોસેફ, એવિન લુઇસ, કાઇલ માયેર્સ, જેસન મહંમદ, નિકોલસ પૂરણ, રોમારિયો શેફર્ડ, કેવિન સિનક્લેયર

(8:41 pm IST)