ખેલ-જગત
News of Thursday, 28th January 2021

આઇસીસી વન-ડે ક્રિકેટ રેન્કીંગમાં વિરાટ કોહલી અને રોહિત શર્માઍ મેદાન માર્યુઃ પ્રથમ અને બીજા સ્થાને યથાવત

દુબઇ: ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી અને રોહિત શર્માએ આઇસીસીની વનડે બેટ્સમેનના રેન્કિંગમાં પ્રથમ અને બીજા સ્થાન પર યથાવત છે. જ્યારે બોલિંગની યાદીમાં ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ત્રીજા સ્થાન પર છે.

કોહલી અને રોહિત ટોપ પર

કોહલીએ ઓસ્ટ્રેલિયાની સામે તેની અંતિમ બે વનડેમાં 89 અને 63 રન બનાવ્યા હતા, તેના 870 પોઇન્ટ છે.

રોહિત ઇજાગ્રસ્ત હોવાના કારણે ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર મર્યાદિત ઓવરની શ્રેણીનો ભાગ બન્યો ન હતો. તેણે કોવિડ-19 મહામારી શરૂ થયા બાદ એકપણ વનડે મેચ રમી નથી. પરંતુ તે પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમથી (837) પાંચ પોઈન્ટ ઉપર બીજા સ્થાન પર છે.

ન્યૂઝીલેન્ડના રોસ ટેલર (818) અને ઓસ્ટ્રેલિયાના કેપ્ટન એરોન ફિન્ચ (791) બેટ્સમેનની યાદીમાં ટોપ 5ના અન્ય ખેલાડી છે.

આયર્લેન્ડના ઓલ રાઉન્ડર પોલ સ્ટરલિંગની આફગાનિસ્તાન સામે બીજી અને ત્રીજી મેચમાં સદીના કારણે 285 રન બનાવી આઠ પોઈન્ટનો ફાયદો થયો જેના કારણે તે 20માં સ્થાન પર પહોંચી ગયો.

અફગાનિસ્તાનના હશમતુલ્લાહ શાહિદી, રાશિદ ખાન અને જાવેદ અહમેદીને પણ રેન્કિંગમાં ફાયદો થયો છે.

ત્રીજા સ્થાન પર યથાવત છે બુમરાહ

બોલરોની યાદીમાં બુમરાહ સર્વશ્રેષ્ઠ ભારતીય છે. તે 700 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાન પર યથાવત છે. ન્યૂઝીલેન્ડના ફાસ્ટ બોલર ટ્રેન્ટ બોલ્ટ (722) અને અફગાનિસ્તાનના સ્પિનર મુઝીબ ઉર રહેમાન (701) ટોચના બે સ્થાન પર છે.

બાંગ્લાદેશના સ્પિરન મેહદી હસન મિરાજને 9 પોઈન્ટનો ફાયદો થયો અને તે ચોથા સ્થાન પર પહોંચી ગયો છે. તે હાલમાં સમાપ્ત થયેલી વેસ્ટઇન્ડિઝ સામે સૌથી સફળ બોલર રહ્યો હતો, તેણે 7 વિકેટ ઝડપી હતી.

બાંગ્લાદેશના ફાસ્ટ બોલર મુસ્તફિઝુર રહેમાન પણ 19માં સ્થાનથી આઠમાં સ્થાન પર પહોંચી ગયો છે.

(5:20 pm IST)