Gujarati News

Gujarati News

News of Tuesday, 14th September 2021

સાહિત્ય – પત્રકાર – શિક્ષણ ક્ષેત્રે મહત્વનું પ્રદાન કરનાર વિષ્ણુ પંડયાનો જન્મ દિવસ

રાજકોટ તા. ૧૪ : ૧૪ સપ્ટેમ્બરના રોજ માણાવદર,(જી.જુનાગઢ)માં જન્મેલા વિષ્ણુ પંડયા ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ છે અને છ ભાષાની અકાદમી સંભાળે છે. ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં પહેલીવાર વિશાળ અને ભવ્ય સાહિત્ય અકાદમી ભવન ઉભું કરવાનો શ્રેય વિષ્ણુ પંડયાને જાય છે. આંતરરાષ્ટ્રીય સાહિત્ય સંસ્થાઓ સાથે પ્રથમ વાર અકાદમી જોડાયેલી છે અને તેના માનદ સલાહકાર પદે તેમની નિયુકતી કરવામાં આવી છે. ગુજરાત યુનિવર્સિટીએ તેમને ડી.લિટની પદવી આપી છે.

સાહિત્ય – પત્રકાર – શિક્ષણનાં ક્ષેત્રે મહત્વના પ્રદાન માટે જેમને ૨૦૧૭નો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર રાષ્ટ્રપતિશ્રી પ્રવણ મુખર્જીનાં હસ્તે એનાયત થયો હતો તેવા શ્રી વિષ્ણુ પંડયા (મો.૯૮૨૪૫ ૪૬૪૩૮) ગુજરાત સાહિત્ય અકાદમી સહિત હિન્દી, સંસ્કૃત, સિંધી,ઉર્દુ, અને કચ્છી સાહિત્ય અકાદમીનું અધ્યક્ષપદ સાંભળી રહ્યા છે તેમનાં ૧૧૫ પ્રકાશિત પુસ્તકમાં નવલકથા, નિબંધ, રાજકીય વિશ્લેષ્ણ, પત્રકારત્વ અને ઇતિહાસનો સમાવેશ થાય છે. કટોકટી અને સેન્સરશિપની સામે 'સાધના' સામાહિકનાં તંત્રી તરીકે સંઘર્ષ કર્યો અને 'મિસા' હેઠળ એક વર્ષ જેલવાસ સેવ્યો હતો.

તેમનાં 'મિસાવાસ્યમ' પુસ્તકને સાહિત્ય પરિષદનું કાલેલકર સન્માન પ્રાપ્ત થયું હતું. સ્વાતંત્ર્ય જંગના અજાણ ઈતિહાસકારનાં લેખન માટે નર્મદ ચંદ્રક પ્રાપ્ત કરનાર વિષ્ણુ પંડયાએ પંદરમી ઓગસ્ટ, છવીસમી જાન્યુઆરી અને પહેલી મે ના દિવસોએ ગુજરાતનાં ૩૫ જેટલાં સ્થાનોએ સ્થાનિક ઈતિહાસને આવરી લેતી નાટ્ય – પ્રસ્તુતિ કરી છે. વિષ્ણુભાઈ અને તેમનં પત્નિ (હવે સ્વર્ગસ્થ) ડો.આરતી પંડયાએ સાહિત્ય, ઇતિહાસ, સમાંતર સામાયિક પ્રકાશન, ઈતિહાસલેખન, ફિલ્મ-આસ્વાદ અને અધ્યાપનમાં છેલ્લાં ૫૦ વર્ષથી મહત્વનું પ્રદાન કર્યું.

તેમનાં પુસ્તકો રાજકીય વિશ્લેષણ 'સમયના હસ્તાક્ષર' વાજપેયીજીનાં કાવ્યો વિષે 'આંધીઓમે જલાયે બૂઝતે દિયે', ક્રાંતિકાર પંડિત શ્યામજી કૃષ્ણવર્માનાં જીવન અને પત્રકારત્વ વિષે 'લંડનમાં ઇન્ડિયન સોશિયોલોજિસ્ટ', આત્મકથા 'શબ્દની રણભૂમિ' અને 'મિસાવાસ્યમ', 'ઓહ આસામ!' ભારતના રાજકીય ઝંઝાવાતના વર્ષો', 'સમગ્ર ગુજરાત' 'સમગ્ર ભારત' વગેરે પુસ્તકો ખ્યાત રહ્યાં છે. આંતરરાષ્ટ્રીય કવિ- સંગઠન 'પેન્ટાસી'એ તેમને લાઇફ ટાઈમ એચિવમેન્ટ એવાર્ડથી નવાજિત કર્યા હતા. કેરળની સામ્યવાદી સરકારે એલેપ્પી ગુજરાતી સાંસ્કૃતિક વારસો – મહોત્સવમાં વિશેષ અતિથિ તરીકે નિમંત્રિત કર્યા હતા. આગામી દિવસોમાં અટલબિહારી વાજપેયી વિષેનો બહુદ્દ ગ્રંથ પ્રકાશિત થશે. 

સંકલન : અજયસિંહ પરમાર મો.૦૯૮૨૫ ૬૫૫૦૭૦

(1:12 pm IST)