Gujarati News

Gujarati News

News of Saturday, 6th August 2022

મૂલ્‍યોના માનવી પદ્મશ્રી લેખક ચંદ્રકાન્‍ત મહેતાનો જન્‍મદિન

રાજકોટ : વિદ્વતાના વટવૃક્ષ સમાન મૈત્રી અને માંગલ્‍યની મહેકવાળા જાણીતા લેખક ડો. ચંદ્રકાન્‍ત મહેતાનો જન્‍મ તારીખ ૬ ઓગસ્‍ટ ૧૯૩૯ ના દિવસે થયેલ. આજે પ્રભાવી અને સેવાભાવી જીવનના ૮૪માં વર્ષના દ્વારે ટકોરા માર્યા છે. તેઓ મૂળ ધોળકા તાલુકાના સરોડા ગામના વતની છે. વર્ષોથી તેમણે અમદાવાદને કર્મભૂમિ બનાવેલ છે. વિદ્યાર્થીકાળમાં સંઘર્ષ વેઠીને કારકિર્દીને ચમકાવી છે. ભારત સરકારે તેમને પદ્મશ્રી પુરસ્‍કાર આપ્‍યો છે.

મૂઠી ઊંચેરા માનવી ડો. ચંદ્રકાન્‍ત મહેતાએ શિક્ષણ, સાહિત્‍ય, પત્રકારત્‍વ વગેરે ક્ષેત્રે અમૂલ્‍ય યોગદાન આપ્‍યું છે. ગુજરાત યુનિવર્સિટીના ઉપકુલપતિ તરીકે રહી ચૂકયા છે. હીરામણિ શિક્ષણ સંકુલમાં તેમની સેવા યાદગાર રહેલ. કેમ છે દોસ્‍ત?, એક જ દે ચિનગારી અને ગુફતેગો જેવી તેમની કોલમો લોકપ્રિય છે. તેમના માર્ગદર્શન હેઠળ કેટલાય વિદ્યાર્થીઓએ ડોકટરેટની પદવી મેળવી છે. તેમણે ગુજરાતી, હિન્‍દી, અંગ્રેજી ભાષામાં કુલ ૧૭૮ પુસ્‍તકો લખ્‍યાં છે.

પદ્મશ્રી ઉપરાંત સોહાર્દ પુરસ્‍કાર, સાહિત્‍ય ગૌરવ, ભારતી ભૂષણ, લાઈફ ટાઈમ એચિવમેન્‍ટ, સુવર્ણચંદ્રક વગેરે સન્‍માન તેમની યશકલગીના છોગા છે. તેઓ ખરા અર્થમાં ઋષિકુળ પરંપરાના શિક્ષકત્‍વને ચરિતાર્થ કરી રહ્યા છે.

આજે જન્‍મદિનની શુભેચ્‍છાનો સાભાર સ્‍વીકાર કરી ડો. ચંદ્રકાન્‍ત મહેતા કહે છે કે ભારત સરકારે મારી કદર કરીને મને પદ્મશ્રી એવોર્ડથી નવાજયો એ બદલ ગદગદ થયો છું. ભગવદ્‌ ગીતાના કેટલાક વાકયો મારું પ્રેરણા બળ છે. સ્‍વામી વિવેકાનંદ, રવીન્‍દ્રનાથ ટાગોર અને મહાત્‍મા ગાંધી મારા જીવનના જયોર્તિધરો છે.

મો.નં.-૯૮૨૪૦૧૫૩૮૬-અમદાવાદ

(11:38 am IST)