Gujarati News

Gujarati News

News of Thursday, 13th January 2022

ભાતીગળ કલા સંસ્કૃતિને ઉજાગર કરનાર મોહનલાલ પરમારનો આજે જન્મ દિવસ

 

રાજકોટ તા. ૧૩ : સૌરાષ્ટ્રની પારંપરિક કલાને રાષ્ટ્ર કક્ષાએ ઉજાગર રાખનાર કારડીયા રજપૂત મોહનલાલ છગનલાલ પરમાર (ઘોઘાભાઇ) નો આજે જન્મ દિવસ છે. સફળ જીવનની ૮૫ મી વર્ષગાંઠ મનાવી રહેલ મોહનભાઇ ઉંમરે પણ દાંતમાં ચોકઠા વગર કાચા શાકભાજી ચાવી જાય. આંખમાં ચશ્મા ચડાવ્યા વગર બધુ વાંચી જાણે. દૈનિક કિ.મી.નું સાયકલીંગ પણ કરી લ્યે છે. તેમના વિષે વાત કરીએ તો આજથી ૬૦ વર્ષ પહેલા સૌરાષ્ટ્ર રાસ મંડળની સ્થાપના  તેમણે કરી હતી. કાઠીયાવાડના રાસ ગરબાને મોરારજી દેસાઇ સમક્ષ રજુ કરી ગોલ્ડ મેડલ હાંસલ કરેલ. ૨૬ મી જાન્યુઆરીની પરેડમાં કાઠીયાવાડની સંસ્કૃતિને જીવંત રાખતુ મનોરંજન પીરસવા ઇન્દિરા ગાંધીનું તેમને અચુક આમંત્રણ હોય. તેઓએ મિત્ર મનુભાઇ ગઢવીનો સહયોગ લઇ ઝવેરચંદ મેઘાણીના વિચારોને શાશ્વત રાખવા સૌ પ્રથમ રંગીત ગુજરાતી ફિલ્મ 'કસુંબીનો રંગ' બનાવી હતી. ઉપરાંત સૌરાષ્ટ્ર રાજય વખતે સંગીત નાટક અકાદમીના સહયોગથી 'શેતલને કાંઠે' અને 'વસુંધરાના વહાલા દવલા' જેવી અર્થ પૂર્ણ ફિલ્મો પણ બનાવેલ. હિન્દી ફિલ્મની દુનિયાની વાત કરીએ તો કલ્યાણજી આણંદજી હોય કે આશા પારેખ કે પછી દીલીપકુમાર બધા મોહનબાપાને જાણે. વર્ષો પહેલા 'ગુંજ ઉઠી શહનાઇ' માં તેમણે ટીપણી નૃત્ય રજુ કરી સૌને મોહીત કરી દીધા હતા. મુંબઇની મોટી સંસ્થા આઇએનટીમાં કાઠીયાવાના રાસ ગરબાને સ્થાન અપાવવાનું શ્રેય પણ તેમને મળે છે. (૧૬.)

(3:53 pm IST)