Gujarati News

Gujarati News

News of Monday, 6th March 2023

સહકારી ક્ષેત્રની સર્વોચ્‍ચ સંસ્‍થા નાફકબના ચેરમેન જયોતીન્‍દ્રભાઇ મહેતાનો આજે ૭૩મો જન્‍મદિવસ

રાજકોટ તા. ૬ : સહકારી ક્ષેત્રની સર્વોચ્‍ચ સંસ્‍થા, નાફકબ-ન્‍યુ દિલ્‍હી નેશનલ ફેડરેશન ઓફ અર્બન કો-ઓપરેટીવ બેંકસ એન્‍ડ ક્રેડિટ સોસાયટીઝ લિ.ના ચેરમેન જયોતીન્‍દ્રભાઇ મહેતાનો આજે તા. ૬ સોમવારે જન્‍મદિવસ છે. જયોતીન્‍દ્રભાઇ નાફકબ ઉપરાંત ચેરમેન-ગુજરાત અર્બન કો-ઓપરેટીવ બેંકસ ફેડરેશન, પૂર્વ ચેરમેન અને વર્તમાન ડિરેકટર, રાજકોટ નાગરિક સહકારી બેંક લિ., ચેરમેન-નેશનલ અર્બન કો-ઓપરેટીવ ફાયનાન્‍સ એન્‍ડ ડેવલપમેન્‍ટ કોપોરેશન, સદસ્‍ય-નેશનલ કો-ઓપરેટીવ પોલીસી પેનલમાં કાર્યરત છે. આ ઉપરાંત તેઓએ પૂર્વ અધ્‍યક્ષ- સહકાર ભારતી (અખિલ ભારત)માં સફળતાપૂર્વક જવાબદારી નિભાવી છે. તેઓમાં વિદ્યાર્થીકાળથી જ સેવાના ગુણ રહેલા છે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં સક્રિય યોગદાન આપેલું છે. મીસા વખતે દરેક કાર્યકર્તાને સરકારે જેલમાં પૂરેલા તેમાં જયોતીન્‍દ્રભાઇ મહેતાનો પણ સમાવેશ થાય છે. તેઓ ડિરેકટર તરીકે ૧૯૮૬માં રાજકોટ નાગરિક સહકારી બેંકમાં જોડાયા અને લગભગ ૩૭ વર્ષની આ સફરમાં વિવિધ જવાબદારી નિભાવતાં-નિભાવતાં રાષ્ટ્રીય સ્‍તરે કાર્ય કરી રહેલ છે. મૂળ જામનગરના વતની, રાજકોટને કર્મભૂમિ બનાવનાર જયોતીન્‍દ્રભાઇ મહેતા, રાજકોટથી દિલ્‍હી જઇ રાષ્ટ્રીય સ્‍તરે સક્રિય યોગદાન આપે છે. તેઓ રાજકોટનાં વિકાસના શિલ્‍પી અને શહેરના પ્રથમ ચુંટાયેલા મેયર અરવિંદભાઇ મણીઆરના સાળા અને શ્રીમતી હંસિકાબેન મણીઆરના નાના ભાઇ છે. તેઓ રાજકોટ નાગરિક સહકારી બેંકના પૂર્વ ચેરમેન અને જાણીતા સી.એ. કલ્‍પકભાઇ મણીઆરના મામા થાય છે. એટલે જ નાગરિક પરિવાર ઉપરાંત સહુ કોઇ તેમને જયોતીન્‍દ્રમામા તરીકે જ લાગણીભર્યું સંબોધન કરે છે. રાજકોટ નાગરિક સહકારી બેંકમાં ચેરમેનપદે જવાબદારી સંભાળી હતી. નાફકબના નેજા હેઠળ સહકારી બેંકોનું એક અંબ્રેલા બને તે માટે અથાક મહેનત ઉઠાવી રહ્યા છે. આજે તેમના ૭૩ માં જન્‍મ દિવસે ઠેરઠેરથી શુભેચ્‍છાવર્ષા થઇ રહી છે. તેમના મો.૯૪૨૭૬ ૧૩૭૦૧ છે.

(12:25 pm IST)