Gujarati News

Gujarati News

News of Saturday, 18th September 2021

પદ્મશ્રી ભીખુદાનભાઇ ગઢવીનો જન્મદિન

(મીનાક્ષી-ભાસ્કર વૈદ્ય દ્વારા)  પ્રભાસ-પાટણ તા. ૧૮: સફેદ લેંઘો, સફેદ ઝબ્બો, ખભ્ભે કાળી શાલ અને ચહેરા ઉપર ગોઠવાયેલાં ચશ્મા પાછળ બે તગતગતી આંખ્યુ અને હાથ પેટીની ચાંપ પર આંગળીઓ ફરતી રહેતી હોય એવા લોક સાહિત્યના ઘેઘૂર વડલા સમાન ભીખુદાનભાઇ ગઢવીનો કાલે ૧૯ સપ્ટે. પોતાની સફળત્તમ જીંદગીના ૭૪ માં વરસમાં પ્રવેશ કરી રહેલ છે.

હાલ જુનાગઢ સ્થિત અને મુળ માણેકવાડાના વતની અને કુતિયાણાના ખીજદળ ગામે તા. ૧૯-૯-૧૯૪૮ના રોજ જન્મેલા ભીખુદાનભાઇ ગઢવીએ આપણા સંસ્કારલક્ષી અને ધર્મ તથા લોકસાહિત્યના અણમોલ વારસાને પોતાના સ્વરથી વિશ્વ અને રાષ્ટ્રમાં ઘર-ઘર સુધી પહોંચતા કર્યાં છે.

ધોરણ દસ સુધીનો અભ્યાસ કરનાર તેઓ પ્રારંભમાં જુનાગઢના એડવોકેટ કરકર સાહેબની ઓફિસમાં નોકરી પણ કરી છે અને માત્ર ર૦ વરસની ઉંમરેથી તેને લોકસાહિત્યનો કાર્યક્રમ આપવાનો શરૂ કર્યો અને વર્ષ ૧૯૬૮ માં જૂનાગઢના જવાહર રોડ ઉપરના સ્વામિનારાયણ મંદિર ચોકમાં યોજાયેલ ડાયરાના એક કાર્યક્રમમાં તેઓ સૌ પ્રથમવાર જાહેરમાં મંચ ઉપર કલાકાર તરીકે આવ્યા.

કંઠ કહેણી તો એવી પ્રભાવશાળી-હૃદય સોંસરવી ઉતરી જાય તેવું શિવાજીનું હાલરડું હોય કે ચારણ કન્યા ગીત હોય, રાનવઘણ કે વીર દેવાયતની વાર્તા હોય આ વાર્તા પ્રવાહમાં શ્રોતાઓ એવા રસતરબોળ બની જાય કે સવાર પડી જાય તોયે ખબર ન પડે.

તેઓ વન-મેન શોની જેમ કલાકો સુધી નોનસ્ટોપ એકલા જ કાર્યક્રમ આપી શકે તેવી તેની ક્ષમતા છે.

સન્માનો અને એવોર્ડો તો એટલા બધા મળ્યા છેકે જેના વિષે જાણો તો દંગ રહી જાવ એથી ય આગળ ભારત સરકારનો ''પદ્મશ્રી'' રાષ્ટ્રીય એવોર્ડ તેઓને તત્કાલીન રાષ્ટ્રપતિના હસ્તે એનાયત થયેલ છે. જે. કૃષ્ણમૂર્તિ, અરવિંદ રમણ મહર્ષિ અને સ્વામિ વિવેકાનંદના પુસ્તકો તેના વાંચન પ્રિય છે તેની શૌર્યવંતી વાતો, દિકરી વિદાય, સોરઠના સંતો, રામાયણ-મહાભારતની વાતો તથા હાસ્યરસ રેલાવતી સીડી કેસેટસો, વીડીયો કેસેટો સૌ વસાવતા રહ્યાં છે ''જીવ શાને ફરે તૂં...ગુમાનમાં, તારે રહેવું ભાડાના મકાનમાં' આવું તો લોકપ્રિય થયું ને આજેય પણ તેને કંઠે સાંભળવું સાર્થકતા ગણે છે. રાષ્ટ્ર માટે જરૂરત પડે કાર્યક્રમો આપ્યા છે. તેમનો મોબાઇલ નં. ૯૮રપર ર૦૬પ૮ છે. 

(12:58 pm IST)