Gujarati News

Gujarati News

News of Friday, 1st October 2021

આલિયા ભટ્ટના ફેન્સની આતુરતાનો અંત

'ગંગુબાઇ કાઠિયાવાડી'૬ જાન્યુઆરી ૨૦૨૨માં રિલીઝ થશે

મુંબઇ,તા. ૧: ફેન્સને લાંબા સમય સુધી રાહ જોવડાવ્યા બાદ સંજય લીલા ભણસાલીએ આખરે 'ગંગુબાઇ કાઠિયાવાડી'ની નવી રિલીઝ ડેટ જાહેર કરી દીધી છે. આલિયા ભટ્ટ અને અજય દેવગણ સ્ટારર આ ફિલ્મ ૬ જાન્યુઆરી ૨૦૨૨માં રિલીઝ થવાની છે. અગાઉ આ ફિલ્મ આ વર્ષે રિલીઝ થવાની હતી પરંતુ કોરોના મહામારીના કારણે ફિલ્મના મેકર્સે રિલીઝ ડેટ પાછળ ઠેલી છે.

ભણસાલી પ્રોડકશનના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર નવી રિલીઝ ડેટની જાહેરાત કરવામાં આવી છે. 'ગંગુબાઇ કાઠિયાવાડી'નું પોસ્ટર શેર કરતાં લખવામાં આવ્યું, 'તેની શકિત, તાકાત અને સ્થિતિસ્થાપકતાના સાક્ષી બનવાનો ઈંતેજાર પૂરો થયો. ૬ જાન્યુઆરી ૨૦૨૨ના રોજ તમારી સમક્ષ 'ગંગુબાઇ કાઠિયાવાડી'ને તમારી નજીકના સિનેમાઘરોમાં રજૂ કરીશું.'

ફિલ્મની લીડ એકટ્રેસ આલિયા ભટ્ટે પણ નવી તારીખ સાથેનું પોસ્ટર શેર કરતાં લખ્યું, 'ગંગુબાઇ કાઠિયાવાડી' મારા દિલ અને આત્માનો ટુકડો છે. તેને ૬ જાન્યુઆરી ૨૦૨૨ના રોજ તમારી નજીકના સિનેમાઘરોમાં લાવી રહ્યા છીએ.

જણાવી દઈએ કે, મહારાષ્ટ્રમાં ૨૨ ઓકટોબરથી થિયેટરો ખુલવાની જાહેરાત રાજય સરકારે કરી હતી. મહારાષ્ટ્ર સરકારની આ જાહેરાત બાદ બોલિવુડ એકટરો અને પ્રોડ્યુસરોએ અત્યાર સુધી રોકી રાખેલી ફિલ્મોની રિલીઝ ડેટની જાહેરાત કરવાનું શરૂ કરી દીધું હતું. છેલ્લા દોઢ વર્ષમાં કોરોનાના કારણે ઘણી ફિલ્મો રિલીઝ નહોતી થઈ શકે છે, જે હવે ૨૦૨૧ના બાકીના મહિનાઓ અને ૨૦૨૨માં રિલીઝ થવાની છે.

અગાઉ આલિયા ભટ્ટે 'ગંગુબાઇ કાઠિયાવાડી'નો ફર્સ્ટ લૂક બતાવીને સૌને ચોંકાવી દીધા હતા. ત્યારબાદ ફિલ્મનું ટીઝર પણ રિલીઝ કરવામાં આવ્યું હતું. જેમાં આલિયાના પર્ફોર્મન્સથી સૌ કોઈ પ્રભાવિત થયું હતું અને ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. આલિયાનો અલગ અંદાજ ફેન્સને પસંદ આવ્યો હતો.

થોડા દિવસ પહેલા સંજય લીલા ભણસાલીએ 'ગંગુબાઇ કાઠિયાવાડી' વિશે કહ્યું હતું કે, આ ફિલ્મ મારા માટે ખૂબ ખાસ છે. આ જર્ની સરળ નહોતી. અમે મહામારી દરમિયાન ફિલ્મ બનાવી છે અને મેં મારો સંપૂર્ણ પ્રયાસ કર્યો છે. તમને સૌને ફિલ્મ બતાવા માટે ઉત્સુક છું. જણાવી દઈએ કે, આ ફિલ્મમાં અજય દેવગણ નાના પણ મહત્વના રોલમાં છે.

આ તરફ આલિયાના વર્કફ્રંટની વાત કરીએ તો, રણબીર કપૂર અને આલિયા ભટ્ટ પહેલીવાર ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર' સાથે જોવા મળશે. અયાન મુખર્જીના નિર્દેશનમાં બની રહેલી આ ફિલ્મમાં આલિયા-રણબીર સાથે મૌની રોય, અમિતાભ બચ્ચન, ડિમ્પલ કપાડિયા અને નાગાર્જુન પણ છે. આ સિવાય આલિયા પાસે 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની', ‘RRR’, 'ડાર્લિંગ્સ' અને 'જી લે ઝરા' જેવી ફિલ્મો છે. 

(9:52 am IST)