Gujarati News

Gujarati News

News of Friday, 1st October 2021

ફિલ્મોના શોખિનોને જલ્સો પડી જશે

૪ મહિનામાં રિલિઝ થશે ૧૦૦ ફિલ્મો

નવી દિલ્હી તા. ૧ : લગભગ દોઢ વર્ષથી વેરાન પડેલા સિનેમાઘરો ફરીથી ગુંજતા થવા જઇ રહ્યા છે. આગામી ૪ મહિનાઓમાં લગભગ ૧૦૦ ફિલ્મો રીલીઝ થવા માટે તૈયાર છે. મહારાષ્ટ્ર સરકાર ૨૨ ઓકટોબરથી સિનેમાઘરોને ફરીથી ખોલવાની મંજૂરી આપવા જઇ રહી છે.

હિન્દી ફિલ્મ ઉદ્યોગ માટે મહારાષ્ટ્ર બહુ મહત્વપૂર્ણ કેન્દ્ર છે. હિંદી ફિલ્મોની બોક્ષઓફિસ કમાણીમાં મહારાષ્ટ્રનું ૨૭થી ૩૦ ટકા યોગદાન છે અને તે કોઇ ફિલ્મની સફળતા અથવા અસફળતા નક્કી કરે છે. દેશના ૩૦૦૦ મલ્ટી પ્લેક્ષ અને ૪૦૦ સીંગલ સ્ક્રીન સિનેમાઘરોમાંથી ૨૦ ટકા એકલા મહારાષ્ટ્રમાં છે.

મહારાષ્ટ્રમાં સિનેમાઘરો ફરીથી ખુલવાનો મતલબ છે દેશના કુલ મુવી સ્ક્રીનના લગભગ ૯૭ ટકા ખુલી જશે પછી ભલે કર્ણાટક અને તેલંગાણામાં ૫૦ ટકા સીટો જ બુક કરવાના આદેશ હોય. સિનેમાઘરો ખુલવાના સમાચારથી ખુશ મલ્ટીપ્લેક્ષ એસોસીએશન ઓફ ઇન્ડિયાના પ્રમુખ અને પીવીઆર પીકચર્સના સીઇઓ કમલ જ્ઞાનચંદાનીએ કહ્યું કે, આગામી ચાર મહિના દરમિયાન કોરોના મહામારી પહેલાની સરખામણીમાં દર અઠવાડીયે ૨૫ ટકા ફિલ્મો વધારે રીલીઝ થશે. હિન્દીમાં દર બે અઠવાડિયે ઓછામાં ઓછી એક મોટી ફિલ્મ આવશે. તો એમપીએના ઉપપ્રમુખ મિહિર શાહે કહ્યું કે તહેવારોની સીઝનમાં સીનેમાઘરો ખુલવા એ સારી સ્થિતિ છે. અમે આશા રાખીએ છીએ કે આવતા વર્ષે બોક્ષ ઓફિસની કમાણી ૨૦૧૯ની જેમ ૧૦૦૦૦ કરોડ રૂપિયા જેટલી થઇ જશે. જોકે જ્ઞાનચંદાણીને આટલી આશા નથી. તેમનું માનવું છે કે વર્ષ ૨૦૨૧માં કમાણી ૨૦૧૯ની સરખામણીમાં ૩૫ થી ૪૦ ટકા જેટલી થશે. આવતા વર્ષે તે ૫૦ ટકાએ પહોંચશે.

(10:34 am IST)