Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd November 2021

દર્શકોને હવે 'તારક મહેતા..' કેમ કંટાળાજનક લાગે છે ?

શો ૧૨ વર્ષથી દર્શકોને મનોરંજન પુરૂ પાડી રહ્યો છે : ઉલ્ટા ચશ્મા મોટાભાગે ટીઆરપી ચાર્ટમાં ટોપ-૫ પર હોય છે, જે દર્શાવે છે કે દર્શકો હજી પણ અમારી સાથે છે : લોઢા

મુંબઈ,તા.૨:  તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ટીવીના મોસ્ટ પોપ્યુલર શોમાંથી એક છે. એક દશકા કરતા વધુ સમયથી શો દર્શકોને મનોરંજન પૂરું પાડી રહ્યો છે અને તેમના દિલમાં રાજ કરી રહ્યો છે. જો કે, સમય જતા શો કંટાળાજનક બની ગયો હોવાનું કેટલાક દર્શક કહી રહ્યા છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં તારક મહેતાનું પાત્ર ભજવી રહેલા એક્ટર શૈલેષ લોઢાએ, શો લોકોને હવે કેમ કંટાળાજનક લાગી રહ્યો છે તે પાછળનું કારણ જણાવ્યુ છે. એક એન્ટરટેન્મેન્ટ વેબપોર્ટલ સાથેની વાતચીતમાં શૈલેષ લોઢાએ જણાવ્યું હતું કે તે કંટાળા વિશે નથી પરંતુ માનવ વર્તન વિશે છે. વિચાર પ્રક્રિયા સમય સાથે વિકસિત થતી રહે છે.

તેથી, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા જેવા શો માટે, કે જે ૧૨ વર્ષ કરતા વધુ સમયથી પ્રસારિત થઈ રહ્યો છે, તે સામાન્ય છે કે એક જ દર્શક સમય જતા પાત્રો અને કન્ટેન્ટને અલગ રીતે જુએ છે. વધુમાં શૈલેષ લોઢાએ સીરિયલના રેટિંગ વિશે પણ વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે એક્ટર અને તેમના પાત્રો સરખા છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા મોટાભાગે ટીઆરપી ચાર્ટમાં ટોપ-૫ પર હોય છે, જે દર્શાવે છે કે દર્શકો હજી પણ અમારી સાથે છે. શૈલેષ લોઢા તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની શરૂઆત થઈ ત્યારથી શો સાથે જોડાયેલા છે. તેઓ લેખક તારક મહેતાનું પાત્ર ભજવી રહ્યા છે. જે જેઠાલાલના પરમ મિત્ર અને ફાયરબ્રિગે઼ડ છે.

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' શોએ ૧૨ વર્ષની આ મુસાફરી દરમિયાન ઘણા ઉતાર-ચડાવ જોયા છે. ખાસ કરીને કોરોના બાદ ઘણી મુશ્કેલીઓ વેઠી છે. લોકડાઉન દરમિયાન શૂટિંગ બંધ રહ્યું હતું જે બાદ મહામારીની બીજી લહેરમાં મહારાષ્ટ્રમાં શૂટિંગ પર પ્રતિબંધ મૂકાતા દમણના રિસોર્ટમાં સેટ ગોઠવવો પડ્યો હતો. આ પહેલા અંજલી ભાભીનું પાત્ર ભજવી રહેલી નેહા મહેતા અને રોશનનું પાત્ર ભજવી રહેલો ગુરુચરણ સિંહ શો છોડીને જતા રહ્યા હતા. જે બાદ સુનૈના ફોજદાર અને બાલવિંદર સિંહે તેમને રિપ્લેસ કર્યા હતા.

(4:03 pm IST)