Gujarati News

Gujarati News

News of Tuesday, 6th December 2022

સાઉથ સુપરસ્‍ટાર વિજય સેતુપતિની ફિલ્‍મ ‘વિદુથલાઇ'ના શુટિંગ દરમિયાન સ્‍ટંટ માસ્‍ટર એસ. સુરેશનું દોરડુ તુટતા નીચે પટકાતા મોતઃ અન્‍ય કલાકારો પણ ઘાયલ

તાત્‍કાલીક હોસ્‍પિટલે સારવાર અર્થે ખસેડતા ડોક્‍ટરે મૃત જાહેર કર્યોઃ પોલીસે અકસ્‍માતની તપાસ શરૂ કરી

મુંબઇઃ સાઉથના સુપરસ્‍ટાર વિજય સેતુપતિની આગામી ફિલ્‍મ ‘વિદુથલાઇ'ના શુટિંગ દરમિયાન 54 વર્ષીય સ્‍ટંટ માસ્‍ટર સુરેશનું મોત થયુ હતુ. એસ. સુરેશ 20 ફુટની ઉંચાઇએથી નીચે પટકાયા હતા. ઘટનાની જાણ થતા પોલીસે અકસ્‍માતની તપાસ શરૂ કરી છે.

કહેવાય છેકે, સાઉથની ફિલ્મો બોલીવુડ તરતા ચાર કદમ આગળ હોય છે. એક્ટિંગની વાત હોય કે ફિલ્મની કહાનીની, સેટની વાત હોય કે વીડિયોગ્રાફીની દરેક સીનમાં સાઉથના સ્ટાર અને તેના નિર્માતા-નિર્દેશક જીવ રેડી દેતાં હોય છે. એજ કારણ છેકે, સલમાન-શાહરૂખને સાઈડમાં મુકીને લોકો હવે સાઉથની ફિલ્મો જોવાનું પસંદ કરી રહ્યાં છે. ત્યારે સાઉથના આવા જ એક ખુબ જાણીતા અભિનેતાની ફિલ્મના શૂટિંગ દરમિયાન અચાનક એક વ્યક્તિનું મોત થઈ જતાં અનેક તર્કવિતર્ક ઉભા થયા છે. હાલ આ મામલાને લઈને પોલીસ તપાસનો ધમધમાટ પણ શરૂ થઈ ગયો છે. 

સાઉથ સ્ટાર વિજય સેતુપતિની આગામી ફિલ્મ 'વિદુથલાઈ'ના શૂટિંગ દરમિયાન 54 વર્ષીય સ્ટંટ માસ્ટર એસ સુરેશનું મોત થયું હતું. ચેન્નઈના વાંદાલુરમાં ફિલ્મના શૂટિંગ દરમિયાન માસ્ટર એસ સુરેશ 20 ફૂટની ઊંચાઈથી નીચે પડ્યો હતો. આ ઘટનાની જાણ સેટ પર આગની જેમ ફેલાઈ ગઈ હતી. આ ફિલ્મને વેત્રી મારન ડિરેક્ટ કરે છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, સુરેશ આસિસ્ટન્ટ તરીકે લીડ સ્ટંટ ડિરેક્ટર સાથે પર્ફોર્મ કરતો હતો. ભવ્ય સેટ હતો અને ટ્રેનનો કાટમાળ પડ્યો હતો. સુરેશ પોતાના સાથી કો-ઓર્ડિનેટર્સ સાથે હાજર હતો. સુરેશે દોરડું બાંધીને કૂદવાનો સ્ટંટ કરવાનો હતો.

20 ફૂટ ઉંચેથી જમીન પર પટકાયોઃ

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, સુરેશને દોરડાની મદદથી ક્રેન સાથે બાંધવામાં આવ્યો હતો. સીન શરૂ થયો ત્યારે જ દોરડું તૂટી ગયું હતું અને સ્ટંટમેન સુરેશ 20 ફૂટની ઊંચાઈ પરથી પડ્યો હતો. સુરેશને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, પરંતુ હાજર ડૉક્ટર્સે મૃત જાહેર કર્યો હતો. અન્ય કો-ઓર્ડિનેટર્સ ઘાયલ થયા છે.

પોલીસ તપાસનો ધમધમાટ શરૂઃ

પોલીસે સેટ પર થયેલા અકસ્માતની તપાસ શરૂ કરી દીધી છે. એસ સુરેશ છેલ્લા 25 વર્ષથી ઇન્ડસ્ટ્રીમાં કામ કરતો હતો. તે શરૂઆતથી જ સ્ટંટમેન હતો. તેણે સ્ટંટ કરતા કરતા જ દુનિયાને અલવિદા કહી દીધું. ફિલ્મમાં સાઉથ એક્ટર સૂરી લીડ રોલમાં છે અને વિજય સેતુપતિનો કેમિયો છે. તે આ ફિલ્મમાં સૂરીના મેન્ટોર તરીકે જોવા મળશે. હાલમાં શૂટિંગ બંધ કરવામાં આવ્યું છે. વિજય સેતુપતિએ ફિલ્મના સેટની તસવીરો સો.મીડિયામાં શૅર પણ કરી હતી. ફિલ્મમાં વિજય ઉપરાંત પ્રકાશ રાજ, ગૌતમ મેનન, કિશોર, ભવાનીશ્રી, રાજીવ મેનન, ચેતન જેવી સ્ટાર-કાસ્ટ છે. ફિલ્મના મોટાભાગના સીન્સ સત્યમંગલમના જંગલમાં શૂટ કરવામાં આવ્યા છે.

(5:49 pm IST)