Gujarati News

Gujarati News

News of Sunday, 9th May 2021

કોરોના સંક્રમિત અભિનેતા અનિરુદ્ધ પણ ICUમાં

ભાવુક થયેલી પત્નીએ કહ્યું અનિશ્ક બોલાવે છે તનેઃ ભોપાલ નજીક આવેલા ગામડામાં એક વેબ સીરીઝના શૂટિંગ દરમિયાન અનિરુદ્ધ કોરોના સંક્રમિત થયો હતો

મુંબઈ,તા.૯: સીરિયલ 'પટિયાલા બેબ્સ'નો એક્ટર અનિરુદ્દ દવે કોરોના સંક્રમિત થયા બાદ હાલ એક ખાનગી હોસ્પિટલના આઈસીયુમાં છે. અનિરુદ્ધ ભોપાલની હોસ્પિટલમાં દાખલ છે ત્યારે તેનો આખો પરિવાર પણ ગત અઠવાડિયે જ ત્યાં પહોંચી ગયો હતો. મીડિયા રિપોર્ટ મુજબ, અનિરુદ્ધના ૮૦ ટકા ફેફસામાં કોરોનાનું ઈન્ફેક્શન ફેલાયું છે. હાલ અનિરુદ્ધની હાલત સ્થિર છે. હવે અનિરુદ્ધની પત્ની શુભિએ તેની સાથેના બે વિડીયો શેર કરીને તેના માટે પ્રાર્થના કરવાની અપીલ કરી છે. અનિરુદ્ધના માતાપિતા, બહેન-જીજાજી અને પત્ની હાલ ભોપાલમાં જ છે. શુભિએ અનિરુદ્ધ સાથેનો એક જૂનો વિડીયો શેર કર્યો છે. આ વિડીયોમાં અનિરુદ્ધ ગીત ગાઈ રહ્યો છે. વિડીયો શેર કરતાં શુભિ આહુજાએ લખ્યું, તું જ સૂર, તું જ સંગીત, તું જ સાથી, તું જ મીત, તારાથી જ મારી દુનિયા સજાવી છે અનિરુદ્ધ. સાથ આપ અનિરુદ્ધ આપણે જીતીશું અનિશ્ક બોલાવે છે, ઘરે બોલાવે છે. હજી લાંબી મજલ કાપવાની છે અનિરુદ્ધ ખૂબ મજબૂતાઈથી લડત આપી રહ્યો છે. તમારી પ્રાર્થનાઓની જરૂર છે. શુભિના આ વિડીયો પર અશનૂર કૌર, હુનર ગાંધી, પરિધિ શર્મા, હિમાશું મલ્હોત્રા વગેરે જેવા કલાકારોએ કોમેન્ટ કરીને શુભિની હિંમત વધારી હતી અને અનિરુદ્ધ જલદી સાજો થઈ જાય તે માટે પ્રાર્થના કરી હતી. જણાવી દઈએ કે, અનિરુદ્ધ અને શુભિ આ વર્ષે ૧૪ ફેબ્રુઆરીના રોજ પેરેન્ટ્સ બન્યા છે. હાલ અનિરુદ્ધ હોસ્પિટલમાં હોવાથી શુભિ પોતાના બે મહિનાના દીકરાને મૂકીને ભોપાલ આવી છે. ૬ દિવસ પહેલા શુભિએ અનિરુદ્ધ અને અનિશ્કની તસવીર શેર કરીને જણાવ્યું હતું કે, આ તેના જીવનનો સૌથી મુશ્કેલ સમય છે. એક તરફ દીકરો નાનો છે અને બીજી તરફ પતિ બીમાર છે. શુભિની આ પોસ્ટ બાદ નકુલ મહેતા, નિયા શર્મા, જાનકી પારેખ, કિશ્વર મર્ચન્ટ, માહી વિજ, ગૌરવ શર્મા વગેરે કલાકારોએ અનિરુદ્ધ માટે પ્રાર્થના કરી હતી અને ફેન્સને પણ આમ કરવાની વિનંતી કરી હતી.

(11:24 am IST)